સુરત: ભારે વરસાદ અને પૂરની આપત્તિ બાદ ડાયમંડ સિટી સુરતને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી ધમધમતું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે અભૂતપૂર્વ રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સુરતને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે સમગ્ર પ્રશાસન રાત-દિવસ એક કરી રહ્યું છે. પૂરના પાણી ઓસર્યા પછી રોગચાળો ન ફેલાય અને નાગરિકોને ત્વરિત મદદ મળે તે માટે ગૃહ રાજ્યમંત્રી (પ્રભારી મંત્રી) હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા (SMC) અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી તમામ દુકાનો, વેપાર-રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી ૪૮ થી ૭૨ કલાકની અંદર પૂર્વવત કરવા માટે તમામ સંસાધનો લગાડી દેવામાં આવે. તેમણે પ્રશાસનને ત્રણ મુખ્ય બાબતો પર સર્વોચ્ચ ભાર મૂકવા જણાવ્યું છે: ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ, મોટા પાયે સફાઈ અભિયાન અને નાગરિકોનું સ્વાસ્થ્ય.
૯,૧૦૦ થી વધુ પરિવારોનો રેકોર્ડબ્રેક સર્વે અને કેશડોલની ચૂકવણી
સુરત શહેરમાં પૂરના ઓથારમાંથી નાગરિકોને બહાર લાવવા માટે તંત્રની કામગીરીની વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીડિતો સુધી તાત્કાલિક સહાય પહોંચાડવા માટે પ્રશાસનની ટીમો ડોર-ટુ-ડોર ફરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે ૯,૧૦૦ જેટલા પરિવારોનો સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. જેમાંથી પ્રાથમિક તબક્કે ૮૦૦ થી વધુ અસરગ્રસ્ત પરિવારોને મકાન વકરી અને કેશડોલ પેટે રૂ. ૬,૮૦૦ લેખે રોકડ સહાય સીધી તેમના ઘર સુધી પહોંચાડી દેવાઈ છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ ઝડપથી આ સહાય ચૂકવવા માટે અલગ-અલગ ટીમો સતત કાર્યરત છે.
વેપારીઓ માટે સરકારનો પ્રો-એક્ટિવ અભિગમ
સુરતના ૫૮ જેટલા નાના-મોટા ગલી-મહોલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં બજારો તથા દુકાનોને પૂરના કારણે મોટું નુકસાન થયું છે. આ અંગે હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, વેપારીઓના નુકસાનનો સર્વે પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ સર્વેના ડેટાના આધારે સરકારી આર્થિક સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. વેપારીઓને વિલંબ વગર તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને અગાઉથી જ તમામ સચોટ ડેટા તૈયાર કરી રહી છે.
ટેકનિકલ કારણોસર સર્વે બાકી હોય તો હેલ્પલાઇન શરૂ
સરકારે નાગરિકોની સુવિધા માટે એક મહત્વની જાહેરાત કરી છે કે, જો કોઈ વિસ્તાર, સોસાયટી કે ઘર ટેકનિકલ કારણોસર સર્વેક્ષણમાંથી વંચિત રહી ગયું હોય, તો તેના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને એક વિશેષ હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયો છે. નાગરિકોનો ફોન આવતા જ કંટ્રોલ રૂમ દ્વારા ત્યાં સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વેની કામગીરી પૂરી કરવામાં આવશે. આપત્તિની આ ઘડીમાં સમગ્ર સરકારી તંત્ર, જિલ્લા પ્રશાસન અને સુરત મહાનગરપાલિકા નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. હર્ષ સંઘવીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખૂબ જ ટૂંકા સમયમાં સુરત ફરી એકવાર અણનમ ઊભું થઈને દેશના વિકાસ એન્જિન તરીકે ધમધમતું થઈ જશે.
