આણંદ: આણંદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેન્ટર 24 કલાક અને 7 દિવસ સતત મોનિટરિંગ કરીને જિલ્લામાં સુરક્ષાનું એક અદૃશ્ય પરંતુ સક્રિય કવચ પૂરું પાડે છે.
250 કેમેરા અને ટૂંક સમયમાં વધુ 550નો ઉમેરો
નેત્રમ ખાતે હાલમાં આણંદ, કરમસદ, વિદ્યાનગર અને ખંભાત શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં 250 જેટલા કેમેરા કાર્યરત છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એમ. ચૌહાણના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ સંખ્યામાં વધુ 550 કેમેરાનો ઉમેરો થશે, જેથી જિલ્લાનો ખૂણેખૂણો પોલીસની નજરમાં રહેશે. આ ઉપરાંત, ફરજ પરના પોલીસ કર્મીઓના બોડી વોર્ન કેમેરાનું પણ અહીંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે.
ગુમ થયેલ સામાન અને વ્યક્તિઓને શોધવામાં સફળતા
નેત્રમ માત્ર ગુના રોકવા માટે જ નહીં, પણ માનવીય સંવેદના સાથે પણ જોડાયેલું છે. ગત વર્ષ દરમિયાન:
મુદ્દામાલ રિકવરી: રિક્ષા કે જાહેર સ્થળોએ ભુલાયેલા 13 મોબાઈલ, 5 લેપટોપ, ડિજિટલ કેમેરા અને બેગ સહિત કુલ રૂપિયા 16 લાખનો મુદ્દામાલ પરત મેળવીને અરજદારોને સોંપવામાં આવ્યો હતો.
માનવીય મદદ: ગુમ થયેલા બાળકો, વૃદ્ધો અને અસ્થિર મગજની વ્યક્તિઓને સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢવામાં નેત્રમની ભૂમિકા મહત્વની રહી છે.
ટ્રાફિક નિયમન અને પારદર્શિતા
શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા માટે નેત્રમ દ્વારા ગત વર્ષે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 29 હજારથી વધુ ઇ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા રૂપિયા 1.60 કરોડથી વધુની રકમ દંડ સ્વરૂપે રિકવર કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી પોલીસની કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બની છે.
નાગરિકોને પોલીસની અપીલ
આણંદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો પ્રવાસ દરમિયાન કોઈ કિંમતી સામાન ચોરાય કે રહી જાય, અથવા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તુરંત નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો. આ સેન્ટર દરેક નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક અને જવાબદાર રક્ષાકવચ તરીકે કાર્યરત છે.
