ભરૂચ: ગુજરાતના સહકારી ક્ષેત્રમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલી ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં અપેક્ષા મુજબની રસાકસી જોવા મળી નહોતી અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલે જબરજસ્ત વિજય મેળવી ફરી એકવાર દૂધધારા ડેરી પર પોતાનો કબ્જો જમાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો સામસામે હતા અને અનેક સહકારી આગેવાનો માટે તે પ્રતિષ્ઠાનો સવાલ બની હતી, પરંતુ અંતે પશુપાલકો અને ખેડૂતોએ ફરી ઘનશ્યામ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ચૂંટણીના પરિણામો એકતરફી રહ્યા હતા, જેમાં ઘનશ્યામ પટેલની પેનલે કુલ ૧૦ બેઠકો પર વિજય મેળવ્યો, જ્યારે સામે અરુણસિંહ રણાની પેનલને માત્ર ૨ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ ઉપરાંત, ત્રણ અપક્ષ ઉમેદવારો પણ વિજેતા બન્યા છે. આ પરિણામ અરુણસિંહ રણાની પેનલ માટે એક મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે તેમની પેનલના કન્વીનર જીગ્નેશ પટેલ પણ ભરૂચ ઝોનમાંથી હારી ગયા હતા.
આ ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉભા રહેલા મહેશ વસાવાને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જે દર્શાવે છે કે આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રણા વચ્ચે જ હતી.
ચૂંટણી પહેલાંથી જ આ જંગ ભાજપ સામે ભાજપનો બન્યો હતો અને બંને જૂથોએ ડેરી પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ, પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે દૂધ ઉત્પાદકોએ ઘનશ્યામ પટેલના છેલ્લા ૧૭ વર્ષના કાર્યકાળ પર મહોર મારી છે.
આ ચૂંટણીમાં એક રોચક ઘટના પણ બની હતી, જેમાં વાગરા ઝોનની એક બેઠક પર ટાઈ પડતાં કિસ્મત પણ ઘનશ્યામ પટેલના પક્ષે જ રહ્યું હતું. આ વિજય સાથે, ૧૭ વર્ષ બાદ પણ દૂધધારા ડેરીનો તાજ ફરી એકવાર ઘનશ્યામ પટેલના શિરે જ રહ્યો છે. આ પરિણામોથી ભાજપના સહકારી માળખામાં પણ નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.
