ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા ગાંધીનગરના અડાલજ અને બનાસકાંઠામાંથી ઝડપી પાડવામાં આવેલા ISIS મોડ્યુલના ત્રણ આતંકવાદીઓ અંગેના મુખ્ય ખુલાસાઓ સામે આવ્યા છે. ATSની તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ માત્ર હથિયારોની આપ-લે માટે જ નહીં, પરંતુ ભારતમાં કેમિકલ હુમલાનું મોટું ષડયંત્ર પાર પાડવાની તૈયારીમાં હતા.
મુખ્ય ખુલાસાઓ: વ્યવસાયે ડોક્ટર અને ખતરનાક ઝેર
DIG ATS, સુનિલ જોષી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ઝડપાયેલા આતંકીઓ વિશેના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીનો એક આરોપી અહેમદ મોહિઉદ્દીન સૈયદ (ઉંમર ૩૫) વ્યવસાયે MBBS ડોક્ટર છે. તેણે ચીનથી MBBSનો અભ્યાસ કર્યો હતો અને તે હૈદરાબાદનો રહેવાસી છે. આતંકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, ૩૦ કારતૂસ અને એક પ્રવાહી કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, તેમનો ઇરાદો સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ગણાતું ‘રાઈઝીન’ (Ricin) નામનું ઝેર બનાવવાનો હતો.
તમને જણાવી દઈએ કે આ આતંકીઓનો રાઈઝીન ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરીને ભીડવાળી જગ્યાએ ખાવામાં ભેળવીને મોટા આતંકી હુમલાને અંજામ આપવાનો પ્લાન હતો. ડો. અહેમદ સૈયદે રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી હથિયારો અને વસ્તુઓ મેળવી હતી. તેઓ કલોલ પાસે હથિયારોની ડિલિવરી લેવા આવ્યા હતા.
નેટવર્ક અને રેકી
ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી ATSની રડારમાં હતા. તેમની પૂછપરછમાં અન્ય મહત્વના ખુલાસાઓ થયા છે. ત્રણેય આરોપીઓ અત્યંત કટ્ટર છે અને તેઓ વિદેશી લોકો સાથે સંપર્કમાં હતા. ડો. સૈયદ અબુ ખદીજા નામના શખ્સ સાથે ટેલિગ્રામ દ્વારા સંપર્કમાં હતો, જે અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. આ આતંકીઓએ ગુજરાતમાં અનેક ભીડવાળી જગ્યાઓએ એક વર્ષના સમયગાળામાં રેકી કરી હતી.
ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની (હૈદરાબાદ) ઉપરાંત મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન અને આઝાદ સુલેમાન સૈફી (બંને યુપીના રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓ પાસેથી કુલ ૪ મોબાઈલ ફોન અને ૨ લેપટોપ પણ કબ્જે કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણી ગુપ્ત માહિતી મળી છે.
ડો. સૈયદના ૧૭ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આતંકીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ATSની આ કાર્યવાહીથી ગુજરાતમાં એક મોટો આતંકી હુમલો થતો અટકી ગયો છે.
