અમદાવાદ: એક તરફ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને એક મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (૨૧ ઓક્ટોબર) રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં મુખ્યત્વે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ માં સામાન્ય વરસાદ વરસી શકે છે.
૨૫ ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે:
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં વરસાદનું જોર ૨૫ ઓક્ટોબરથી વધશે. આ સિસ્ટમ સક્રિય થતાં, ૨૫ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ:
૨૫મી ઓક્ટોબરથી લઈને ૨૭મી ઓક્ટોબર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી ખેડૂતો અને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આકસ્મિક વરસાદના કારણે ખુલ્લામાં રહેલા ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના છે, જ્યારે શહેરી વિસ્તારોમાં દિવાળીની ખરીદી અને ઉજવણીમાં પણ વિઘ્ન આવી શકે છે. તંત્ર દ્વારા પણ સંભવિત વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વરસાદની આ આગાહીએ તહેવારોની મજા માણવા નીકળેલા લોકો માટે ચિંતા ઊભી કરી છે, ત્યારે હવામાન વિભાગે લોકોને સતત હવામાન અપડેટ્સ ચેક કરતા રહેવા અને સાવધાની રાખવા જણાવ્યું છે.
