વડોદરા: નવરાત્રીનો પર્વ એટલે માત્ર ગરબા જ નહિ, પરંતુ ઢોલના ધબકાર અને પરંપરાગત વાજિંત્રોનો ગુંજારવ. આજના ડીજે અને ઓક્ટોપેડના યુગમાં પણ, વડોદરા જિલ્લાના પાદરામાં એક પરિવાર એવો છે જેણે સદીઓ જૂની આ કળા અને પરંપરાને જીવંત રાખી છે. પાદરાના શ્રેયશભાઈ ડબગરનો પરિવાર છેલ્લા ૬૫ વર્ષથી અને પાંચમી પેઢીથી ઢોલ, તબલા અને અન્ય વાજિંત્રો બનાવવાનું કામ કરી રહ્યો છે, જે ‘લોકલ ફોર વોકલ’નો શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
પાદરાના ગોવિંદપુરા જકાતનાકા પાસે આવેલી તેમની નાનકડી દુકાનમાં શ્રેયશભાઈ અને તેમનો પરિવાર અવિરતપણે આ કામમાં લાગેલા જોવા મળે છે. તેમના પરિવારના સભ્ય ઈલાબેન જણાવે છે કે, વર્ષ ૧૯૬૦થી તેઓ ઢોલક, તબલા, હાર્મોનિયમ, કચ્છી ઢોલ, નાસિક ઢોલ, ખંજરી, મંજીરા, કરતાલ, ડમરુ, અને ડાકલી જેવા વિવિધ વાજિંત્રો બનાવે છે. ભજન મંડળીઓ, શેરી ગરબાના આયોજકો અને પરંપરાગત રીતે ગરબા વૃંદો આજે પણ તેમના વાજિંત્રો ખરીદવા અને સમારકામ કરાવવા આવે છે.
જોકે, આજના સમયમાં તેમનો પરંપરાગત વ્યવસાય ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેમના પરિવારના અન્ય સભ્ય દિવ્યાબેન જણાવે છે કે, પહેલા લગ્ન પ્રસંગો અને ગરબામાં ઢોલકનો ઉપયોગ મોટા પાયે થતો હતો, જેના કારણે તેમનો ધંધો સારો ચાલતો હતો. પરંતુ હવે ઓક્ટોપેડ જેવી આયાતી મ્યુઝિક સિસ્ટમના આગમનથી તેમના ધંધા પર માઠી અસર પડી છે. તેમ છતાં, પરિવારે હિંમત હારી નથી અને તેમની પરંપરાગત કારીગરીને અડીખમ જાળવી રાખી છે.
આવા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરાના બિલ ગામથી આવેલા એક ગ્રાહકે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી શ્રેયસભાઈના ત્યાંથી જ વાજિંત્રો ખરીદે છે. તેમણે લોકોને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા જણાવ્યું છે, જેથી આવા પરંપરાગત કારીગરો અને તેમના કલાવારસાને ટેકો મળી રહે.
ડબગર પરિવારનો આ વ્યવસાય માત્ર તેમની આજીવિકા જ નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને કળાનો એક ભાગ છે. જ્યારે શ્રેયશભાઈ કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના સંતાન પણ ઢોલ-નગારા સાથે રમતા જોવા મળ્યા, જે દર્શાવે છે કે આ પરંપરાની છઠ્ઠી પેઢી પણ આ વારસાને આગળ વધારવા માટે તૈયાર થઈ રહી છે. આ નવરાત્રીમાં જ્યારે તમે ઢોલના તાલે ગરબે ઘૂમો, ત્યારે આ પરંપરાગત વાજિંત્રો બનાવનારા કારીગરોની મહેનત અને કળાને યાદ કરો અને તેમને ટેકો આપો.
