મોસ્કો / લંડન: રશિયાના સાઇબેરીયા સ્થિત એક પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ૨૮ વર્ષીય મહિલા લેબ વર્કર દાર્યા શિપિલોવા (Darya Shipilova) ના અચાનક થયેલા રહસ્યમય મોત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, રશિયાની આરોગ્ય નિયામક સંસ્થા ‘રોસ્પોટ્રેબનાડઝોર’ (Rospotrebnadzor) એ બુધવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સાઇબેરીયામાં આ ઘટનાના કારણે કોઈ પણ પ્રકારની મહામારી (Epidemic) ફેલાવાનો કે જાહેર આરોગ્ય સંબંધિત ખતરો નથી. સંસ્થાએ જણાવ્યું છે કે તકેદારીના ભાગરૂપે લેવાયેલા સુરક્ષાત્મક પગલાં હવે ધીમે ધીમે પાછા ખેંચવામાં આવી રહ્યા છે અને તમામ જરૂરી આંકડા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે શેર કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, ૨૮ વર્ષીય પ્રયોગશાળા કર્મચારીનું શુક્રવારે અજ્ઞાત કારણોસર થતાં ગંભીર ન્યુમોનિયાને કારણે અવસાન થયું હતું. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આશરે ૨૦૦ જેટલા લોકોને તાત્કાલિક ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. રશિયન હેલ્થ રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે મૃતક કર્મચારીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિમાં પ્લેગના લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ ૫,૦૦થી વધુ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે તમામમાંથી કોઈ પણ જોખમી રોગકારક બેક્ટેરિયા કે વાયરસ મળી આવ્યા નથી, જેના કારણે ક્વોરેન્ટાઇન કરાયેલા ૯૦ ટકા લોકોને મુક્ત કરી દેવાયા છે. રશિયન તંત્રના જણાવ્યા મુજબ મહિલા લેબ વર્કરનું રસીકરણ થયેલું હતું, જેથી તે જે ચેપ પર કામ કરી રહી હતી તેની સામે ઈમ્યુન હતી, જોકે તેના ન્યુમોનિયાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
બીજી તરફ, સ્વિટ્ઝરલેન્ડના જીનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે આ મામલે રશિયા પાસેથી વધુ વિગતો અને પારદર્શિતાની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રશિયાએ ન્યુમોનિયાના ચોક્કસ કારણ, જાહેર આરોગ્યના પગલાં લેવા માટે જવાબદાર રોગકારક જીવાણુ અને મીડિયામાં આવી રહેલા બીજા કર્મચારીના બીમાર હોવાના અહેવાલો અંગે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ સમયસર અને સંપૂર્ણ માહિતીનું આદાન-પ્રદાન ગેરસમજ દૂર કરવા માટે અનિવાર્ય છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને વ્હાઇટ હાઉસે પણ આ બાબતે રશિયા વધુ માહિતી સાર્વજનિક કરે તેવી માંગ કરી હતી.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે પશ્ચિમી મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મીડિયામાં આ ઘટના અંગે ફેલાવવામાં આવી રહેલી મોટાભાગની વાતો અને અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. રશિયાએ સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ WHO ને તમામ યોગ્ય માહિતી પૂરી પાડી છે અને નાગરિકોને માત્ર અધિકૃત સરકારી સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. હાલમાં આ કેસ અંગે વૈશ્વિક સ્તરે આરોગ્ય નિષ્ણાતોની નજર ટકેલી છે.
