ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે એક અભૂતપૂર્વ ડગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં, વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) ની સબસિડિયરી સ્ટારલિંક (Starlink) અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) એક્સચેન્જ કરવામાં આવ્યા છે.
સેટેલાઈટ ઇન્ટરનેટથી ખૂણે ખૂણો જોડાશે
રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આ એક માઈલસ્ટોન સમાન પહેલ છે. સ્ટારલિંકના આગમનથી ગુજરાતના એવા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારો, જ્યાં અત્યાર સુધી ટેલિકોમ નેટવર્ક પહોંચવું મુશ્કેલ હતું, ત્યાં હવે સેટેલાઈટ દ્વારા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચશે. આ ટેકનોલોજી દ્વારા ઓછું નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં કનેક્ટિવિટીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
સ્ટારલિંક પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો અને લાભ
આ સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ હેઠળ રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ સેવાઓ સુદૃઢ બનાવશે:
ઈ-ગવર્નન્સ: આદિજાતિ વિસ્તારોને કોમન સર્વિસ સેન્ટર (CSC) થી સાંકળી લેવાશે, જેથી સરકારી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે લોકો સુધી પહોંચે.
શિક્ષણ અને આરોગ્ય: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી શાળાઓ અને ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ વધુ સચોટ બનાવાશે.
આપત્તિ વ્યવસ્થાપન: ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને જિલ્લા નિયંત્રણ કક્ષોને સ્ટારલિંકથી સજ્જ કરાશે, જે કુદરતી આફતો સમયે સંચાર વ્યવસ્થા જાળવી રાખવામાં મદદરૂપ થશે.
પર્યાવરણ અને બંદરો: વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને પોર્ટ ફેસિલિટીઝને પણ આ હાઈ-ટેક નેટવર્ક સાથે સાંકળી લેવામાં આવશે.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પર વિશેષ ધ્યાન
ગુજરાતના એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ બેલ્ટમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરવી એ આ સમજૂતીનું મુખ્ય લક્ષ્ય છે. આનાથી રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક ટેકનોલોજીના લાભ પહોંચશે અને ગુજરાતના વિકાસને એક નવી ગતિ મળશે.
