સિડની, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના સૌથી જાણીતા સ્થળો પૈકીના એક સિડનીના બોન્ડી બીચ પર રવિવારે બપોરે એક ભયાનક ગોળીબારની ઘટના બની, જેના કારણે સમગ્ર દેશમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના મતે, આ હુમલો યહૂદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી કરી રહેલા નિર્દોષ પરિવારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, થોડીવારમાં અનેક ગોળીબારના અવાજો સંભળાયા હતા, જેના કારણે બીચ પર હાજર લોકો ગભરાઈને જીવ બચાવવા માટે દોડી ગયા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં પણ લોકો ગભરાઈને ભાગતા અને ગોળીબાર તથા પોલીસ સાયરનના અવાજો સાંભળી શકાય છે.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને હુમલાખોરોની ધરપકડ
ઘટનાની જાણ થતાં જ ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પર લોકોને દૂર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવાની વિનંતી કરી હતી.
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને ડ્રોન ફૂટેજ દ્વારા બે સક્રિય શૂટર્સની ઓળખ કર્યા બાદ, બંને શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. ગાર્ડિયનના અહેવાલ મુજબ, પત્રકારોએ કાળા કપડાં પહેરેલા બે પુરુષોને પુલ પાસે ગોળીબાર કરતા દર્શાવતા વીડિયો જોયા છે. એક હુમલાખોર પિસ્તોલ અને શોટગન શેલની બેન્ડોલિયર સાથે સજ્જ હતો.
હીરોની કાર્યવાહી અને વડાપ્રધાનની પ્રતિક્રિયા
આ ભયાનક હુમલા દરમિયાન એક વીરતાભર્યો કિસ્સો પણ સામે આવ્યો છે. એક બહાદુર વૃદ્ધ વ્યક્તિએ હુમલાખોરોમાંથી એક પર હુમલો કર્યો અને તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. આ સામાન્ય માણસની વીરતાપૂર્ણ કાર્યવાહીને કારણે વધુ જાનહાનિ ટળી હોવાની સંભાવના છે.
દરમિયાન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના કાર્યાલયે જણાવ્યું છે કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ નિવેદન જારી કરીને લોકોને ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી.
