વડોદરા મહાનગરપાલિકા (VMC) ના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના નાગરિકોને ચેતવણી આપતી મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આજવા સરોવરથી નિમેટા સુધીની પાણીની શુદ્ધિકરણ પ્રણાલીમાં ચાલી રહેલા સુધારાના કામને કારણે, શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ૪૮ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
નવી પાઇપલાઇનનું જોડાણ કાર્ય
VMC દ્વારા આજવા સરોવરથી નિમેટા ખાતેના શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી આવતી જૂની ૭૫૦ મિમી ડાયાની CI (કાસ્ટ આયર્ન) નળિકાને બદલીને તેના સ્થાને ૧૫૪૨ મિમી ડાયાની નવી ૩LPE MS (માઇલ્ડ સ્ટીલ) નળિકા બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે, આ નવી ૧૫૪૨ મિમી ફીડર નળિકાનું નવીન મેની ફોલ્ડ બેસાડીને તેનું જોડાણ કરવાની અને સમગ્ર પ્રણાલીને પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
પાણી વિતરણનો સમયગાળો: 25 થી 27 નવેમ્બર
આ જોડાણનું કાર્ય ૨૫ નવેમ્બરથી ૪૮ કલાક માટે લેવામાં આવનાર છે. આ કામગીરી કરવા માટે આજવા સરોવરથી સંપૂર્ણ પાણી પુરવઠો બંધ રાખવો અનિવાર્ય છે. જેના પગલે, નીચે જણાવેલા વિસ્તારોમાં ૨૫ નવેમ્બર સાંજથી ૨૭ નવેમ્બર સવાર સુધી પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં:
ટાંકી વિસ્તારો: પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ ટાંકી, કપુરાઈ ટાંકી તથા સયાજીપુરા ટાંકી.
ઓનલાઈન બુસ્ટર વિસ્તારો: સંખેડા દશાલાડ, મહેશનગર, સોમાતળાવ, દંતેશ્વર, મહાનગર તથા નંદધામ વગેરે.
વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન થનારી અગવડતા બદલ સહકાર આપે અને પાણીનો સંગ્રહ કરીને સમજદારીપૂર્વક ઉપયોગ કરે.
