વડોદરા શહેરમાં પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં પીક અવર્સ (વ્યસ્ત સમયગાળા) દરમિયાન ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ ફરી રહ્યા છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે.
બે દિવસ અગાઉ શહેરના L&T સર્કલ પાસે બસ ચાલકે એક દંપતીને અડફેટે લીધું હતું, જેમાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા હતા.
ગુજરાતીમાં કહેવત છે કે “ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ” – વડોદરા ટ્રાફિક પોલીસે આ જ ઘાટ સર્જ્યો છે. નિર્દોષ મહિલાના મોત બાદ અચાનક જ ઘોર નિદ્રામાંથી જાગી હોય તેમ ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
DCPની આગેવાનીમાં ડ્રાઇવ: ૨૩ વાહનો ડિટેઇન
શહેરમાં માતેલા સાંઢની જેમ ફરતા ભારદારી વાહનો સામે અંકુશ લાવવામાં અગાઉ નિષ્ફળ રહેલ ટ્રાફિક પોલીસે આખરે એક મહિલાના મોત બાદ તાત્કાલિક પોલીસ ડ્રાઇવ શરૂ કરી છે.
આ કાર્યવાહીમાં નાયબ પોલીસ કમિશનર, ટ્રાફિક પૂર્વ તેમજ ટ્રાફિક શાખા પૂર્વ ઝોનના સેક્ટર પોલીસ ઈન્સ્પેક્ટરો અને રોયલ ઈન્ચાર્જની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા L&T સર્કલ ખાતે ટ્રાવેલ્સની લક્ઝરી બસો તેમજ અન્ય ભારદારી વાહનો સામે તવાઈ બોલાવવામાં આવી હતી.
પોલીસ કમિશ્નરના જાહેરનામા અંતર્ગત સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૯ વાગ્યા દરમિયાન પરમીશન વગર શહેર વિસ્તારમાં પ્રવેશ કરતાં ભારદારી વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
- કુલ ડિટેઇન કરાયેલા વાહનો: ૨૩
- વિગતો: ૨૧ લક્ઝરી બસો અને ૨ મિલર (ટ્રક)
આ તમામ વાહનોને ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લોકોની માંગ: અવિરત કાર્યવાહી જરૂરી
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો સામે આવી રહ્યા છે અને આવા ભારદારી વાહનોના કારણે જ નિર્દોષ નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસની આ સખ્ત કાર્યવાહીને આવકારતા લોકોમાં માંગ ઉઠી છે કે, આ ડ્રાઇવ માત્ર અકસ્માત બાદ ઘોષણા પૂરતી ન રહેતા અવિરત પણે આ જ પ્રકારે કાયમી ધોરણે કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ, જેથી શહેરના રસ્તાઓ સામાન્ય નાગરિકો માટે સલામત બની શકે.
