રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવવા બદલ કડક કાયદાકીય પગલું ભર્યું છે. નથવાણીએ આ મામલે સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ₹ ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો દાખલ કર્યો છે.
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા આ માનહાનીના દાવા બદલ, માનનીય કોર્ટે તમામ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે.
કોર્ટનો મહત્ત્વનો આદેશ: ૪૮ કલાકમાં કન્ટેન્ટ હટાવો
આ કાયદાકીય કાર્યવાહીમાં, માનનીય કોર્ટે નથવાણીને વચગાળાનું રક્ષણ આપતા એક ખૂબ જ મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ પક્ષોને તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલો તમામ બદનક્ષીભર્યો કન્ટેન્ટ ૪૮ કલાકની અંદર તાત્કાલિક અસરથી હટાવી લેવા આદેશ કર્યો છે.
પરિમલ નથવાણીએ જણાવ્યું કે તેઓ તેમની ઈમાનદારી જાળવવા માટે કટિબદ્ધ છે અને પાયાવિહોણા આક્ષેપોને જનતાને ગેરમાર્ગે દોરવા અથવા તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા દેશે નહીં.
આ ૭ વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે દાવો દાખલ કરાયો
સાંસદ પરિમલ નથવાણીએ જે વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવવા બદલ આ દાવો દાખલ કર્યો છે, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- સનાતન સત્ય સમાચાર
- સંજય ચેતરિયા
- ધ ગુજરાત રિપોર્ટ
- મયુર જાની
- હિમાંશુ ભાયાણી
- દિલીપ પટેલ
- ભાવિન ઉર્ફે બન્ની ગજેરા
નથવાણીએ સત્ય માટે ઊભા રહેવામાં તેમનો સાથ આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાયદાકીય પગલાંથી સોશિયલ મીડિયા પર બદનક્ષીભરી પોસ્ટ કરનારાઓ માટે એક કડક દાખલો બેસી શકે છે.
