વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો વળાંક આવ્યો છે. પક્ષની શિસ્ત અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનાર કાર્યકરો સામે પ્રદેશ હાઈકમાન્ડની સૂચનાથી કડક પગલાં લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 11 જેટલા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
શા માટે લેવાયા કડક પગલાં?
ભાજપ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, આ 11 કાર્યકરોએ પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે જ બળવો પોકાર્યો હતો. કેટલાક કાર્યકરોએ પોતે અપક્ષ તરીકે અથવા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો કેટલાકે પોતાના પરિવારના સભ્યોને પક્ષના ઉમેદવાર સામે મેદાનમાં ઉતારીને પક્ષના હિતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. લોકશાહીના પર્વમાં પક્ષની એકતા જાળવી રાખવા માટે આ શિસ્તભંગની કાર્યવાહી અનિવાર્ય હોવાનું જણાવાયું છે.
કોણ કોણ થયું સસ્પેન્ડ?
સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં પાદરા નગર ભાજપના મંત્રી નરસિંહભાઈ પટેલ, વાઘોડિયાના આઈ.ટી. સેલના જયેશભાઈ રબારી, સાવલી યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલ અને ડભોઇના પૂર્વ કોર્પોરેટર સલીમ ઘાંચી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પાદરા, સાવલી, વાઘોડિયા, કરજણ અને ડભોઇ જેવા મહત્વના મંડલોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોની વિગતવાર યાદી:

બળવાખોરોમાં ફફડાટ
ચૂંટણીના માહોલમાં ભાજપના આ કડક વલણથી પક્ષમાં રહીને વિરોધ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠનથી મોટું કોઈ નથી અને પક્ષના હિત વિરુદ્ધ કામ કરનારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
