સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહી નદીના બ્રિજ પર ગત રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. સાવલીના જબાપુરા ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ યુવક વિજય જશવંતસિંહ ગોહિલે અગમ્ય કારણોસર કનોડા-પોઇચા વચ્ચે આવેલા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બાઈક મૂકી નદીમાં ઝંપલાવ્યું
મળતી વિગતો અનુસાર, વિજય ગોહિલ ગઈકાલે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. મહીસાગર નદીના પુલ પર પહોંચી તેણે અચાનક બાઈક ઊભી રાખી હતી અને પુલની રેલિંગ પર ચઢીને સીધું જ નદીના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ જોઈને પુલ પરથી પસાર થતા વટેમાર્ગુઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં લોકોના ટોળેટોળા એકઠાં થયાં હતાં.
ફાયર વિભાગની કલાકોની શોધખોળ
ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ કાફલો અને યુવકના પરિવારજનો નદી કિનારે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ગત સાંજથી જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકનો કોઈ પત્તો મળ્યો નહોતો. આજે વહેલી સવારથી ફાયર વિભાગે ફરીથી મહી નદીના પટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ આખરે વિજયનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારમાં માતમનો માહોલ
ફાયર વિભાગના કર્મચારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, “યુવકના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે.” ૨૪ વર્ષીય યુવાન દીકરાના અકાળે અવસાનથી જબાપુરા ગામ સહિત સમગ્ર સાવલી પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
