વેરાવળ: સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે શૌર્ય અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળશે. ૧૧મી મેના રોજ સવારે ૧૧ કલાકે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા સોમનાથના આકાશમાં સાહસિક હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે. આજે યોજાયેલા રિહર્સલમાં જ વાયુસેનાના પાયલટોએ દરિયાકિનારે હજારો લોકોના દિલ જીતી લીધા હતા.
૧૫ મિનિટનો રોમાંચક એર શો
સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્માના જણાવ્યા મુજબ, લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં અંદાજે ૧૫ મિનિટ સુધી વિવિધ ફોર્મેશન રજૂ કરવામાં આવશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં ૧૮૨ કિમીનું અંતર કાપી સોમનાથ પહોંચશે. આ પ્રદર્શનમાં પાઈલટો માત્ર ૫ મીટરથી પણ ઓછા અંતરે વિમાનો ઉડાડીને વાયુસેનાની શિસ્ત અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. મુખ્ય આકર્ષણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્મોક પોડ્સ રહેશે, જે આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડાથી ત્રિરંગાની પ્રતિકૃતિ બનાવશે.
ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા
એર શોની સાથે જ સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. આ યુનિટ દ્વારા અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ અવસરે એરફોર્સના ૨૫થી ૩૦ એર વોરિયર્સ ગ્રાઉન્ડ પરથી સમગ્ર કામગીરીનું સંકલન કરશે.
ભારતીય વાયુસેનાનું ગૌરવ
વર્ષ ૧૯૯૬માં સ્થપાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ પ્રદર્શનો કરી ચૂકી છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ કુશળ પાઈલટોની આ ટીમ સોમનાથના આંગણે ‘સદૈવ સર્વોત્તમ’ના મુદ્રાલેખને સાર્થક કરશે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા આ ઐતિહાસિક પળને વધાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
