ગાંધીનગર: ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા આગામી ૨૦ મેના રોજ દેશભરમાં દવાના મેડિકલ સ્ટોર્સના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળના પગલે સામાન્ય જનતા અને દર્દીઓને દવાઓ ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાતના ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ (FDCA) દ્વારા મહત્વપૂર્ણ વૈકલ્પિક વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, બંધ દરમિયાન પણ રાજ્યના નાગરિકોને તમામ કટોકટી અને જીવનજરૂરી દવાઓ સરળતાથી મળી રહેશે.
આ તમામ સ્થળો પર મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે
હડતાળ દરમિયાન દર્દીઓની સારવાર પ્રભાવિત ન થાય તે માટે નીચે મુજબના તમામ કેન્દ્રો પરથી દવાઓનું વેચાણ ચાલુ રાખવામાં આવશે:
- હોસ્પિટલ સંલગ્ન સ્ટોર્સ: તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો સાથે જોડાયેલા ઇન-હાઉસ મેડિકલ સ્ટોર્સ ચોવીસ કલાક કાર્યરત રહેશે.
- સરકારી આરોગ્ય કેન્દ્રો: તમામ સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતેના સરકારી દવાખાના અને સ્ટોર્સ ખુલ્લા રહેશે.
- જેનરિક દવા કેન્દ્રો: કેન્દ્ર સરકાર સંચાલિત ‘પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો’ના તમામ સ્ટોર્સ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
ખુલ્લા રહેનારા ખાનગી સ્ટોર્સનું ઓનલાઈન લિસ્ટ જાહેર
રાજ્ય સરકારના સત્તાવાર વિભાગ દ્વારા એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલ સિવાયના પણ જે ખાનગી કેમિસ્ટ એસોસિએશનથી અલગ રહીને પોતાના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાના છે, તેની યાદી ઓનલાઈન જાહેર કરાઈ છે. નાગરિકો પોતાના નજીકના વિસ્તારમાં કયો મેડિકલ સ્ટોર ખુલ્લો છે તેની માહિતી નીચે મુજબની વેબસાઇટ્સ પરથી મેળવી શકશે:
- XLN પોર્ટલ: https://xln.gujarat.gov.in
- DMLA પોર્ટલ: https://dmla.gujarat.gov.in
ઇમરજન્સી માટે જિલ્લાવાર કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન
જો કોઈ નાગરિક કે દર્દીના સગાને કટોકટીના સમયે ગંભીર બીમારીની દવા મેળવવામાં મુશ્કેલી પડે, તો તેઓ તાત્કાલિક ધોરણે જે-તે જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકે છે. દરેક જિલ્લાના મદદનીશ કમિશનરો (Assistant Commissioners) ના સત્તાવાર મોબાઈલ નંબર ઉપર દર્શાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જનતાને ગભરાટમાં ન આવવા અને કોઈપણ અફવાઓથી દૂર રહી સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
