ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) ને આકરા શબ્દોમાં નોટિસ પાઠવી છે. આ નોટિસ X ના AI સર્વિસ ‘Grok’ ના માધ્યમથી ફેલાવવામાં આવતા અશ્લીલ, નગ્ન અને જાતીય રીતે સ્પષ્ટ કન્ટેન્ટ (Obscene and Sexually Explicit Content) ના પગલે આપવામાં આવી છે. સરકારના મતે X કોર્પોરેશન IT એક્ટ, 2000 અને IT રૂલ્સ, 2021 હેઠળની તેની વૈધાનિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.
મહિલાઓની સુરક્ષા અને ગરિમાનો પ્રશ્ન
સરકારને મળેલી ફરિયાદો મુજબ, Grok AI નો ઉપયોગ કરીને મહિલાઓના વાંધાજનક ફોટા અને વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કન્ટેન્ટથી મહિલાઓની ગરિમા અને સુરક્ષા જોખમાઈ રહી છે. સરકારનું માનવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ડિજિટલ સ્પેસમાં યૌન ઉત્પીડનને પ્રોત્સાહન આપે છે, જેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કડક નિર્દેશો
IT એક્ટ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે X ને નીચે મુજબના આદેશો આપ્યા છે:
Grok AI ની સમીક્ષા: કંપનીએ તુરંત જ Grok AI ની ટેકનિકલ અને ગવર્નન્સ સ્તરની સમીક્ષા કરવી પડશે જેથી તે અશ્લીલ કે ગેરકાયદેસર કન્ટેન્ટ જનરેટ ન કરે.
કાયદાનું કડક પાલન: યુઝર ટર્મ્સ અને AI વપરાશના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકાઉન્ટ્સ સામે સસ્પેન્શન અને ટર્મિનેશન જેવી કડક કાર્યવાહી કરવી.
કન્ટેન્ટ દૂર કરવું: ગેરકાયદેસર રીતે જનરેટ થયેલા તમામ કન્ટેન્ટને કોઈ પણ વિલંબ વગર દૂર કરવા અથવા બ્લોક કરવા.
72 કલાકમાં રિપોર્ટ: X એ આ તમામ બાબતો પર કરેલી કાર્યવાહીનો વિગતવાર Action Taken Report (ATR) આગામી 72 કલાકમાં મંત્રાલયને સબમિટ કરવાનો રહેશે.
નિયમોનું પાલન ન થાય તો થશે શિક્ષાત્મક કાર્યવાહી
નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો X આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેણે IT એક્ટની કલમ 79 હેઠળ મળતી મુક્તિ (Safe Harbour) ગુમાવવી પડી શકે છે. આનો અર્થ એ છે કે પ્લેટફોર્મ પર પોસ્ટ થતા કોઈપણ ગેરકાયદેસર કન્ટેન્ટ માટે X ના જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
