મુંબઈ: સાઉથ સિનેમાના થલાઈવા અને ભારતીય સિનેમાના મહાનાયક રજનીકાંતના ચાહકો માટે એક મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર’ ની સુપર-સક્સેસ બાદ હવે ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર તેની મોસ્ટ અવેટેડ સિક્વલ ‘જેલર ૨’ (Jailer 2) સાથે પાછા ફરી રહ્યા છે.
મેકર્સ દ્વારા સોમવારે આ એક્શન-પેક્ડ ફિલ્મનું મસાલેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં રજનીકાંત પોતાના આઈકોનિક ટાઇગર મુથુવેલ પાંડિયન (Tiger Muthuvel Pandian) ના પાત્રમાં સ્વેગ, ઈન્ટેન્સિટી અને કિલર માસ મોમેન્ટ્સ સાથે ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત જે સૌથી મોટું સરપ્રાઈઝ ફેન્સને મળ્યું છે તે છે અભિનેત્રી વિદ્યા બાલનનો અનોખો અને બોલ્ડ લુક. ટ્રેલરમાં વિદ્યા બાલન ‘કાંથા’ (Kantha) નામના અત્યંત રહસ્યમય અને પાવરફુલ પાત્રમાં જોવા મળી રહી છે. શોર્ટ હેરસ્ટાઇલ, ડાર્ક સ્ટાઇલાઇઝ્ડ આઉટફિટ અને મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ સાથે વિદ્યાનો આ ક્યારેય ન જોયેલો અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બે નેશનલ એવોર્ડ વિજેતા કલાકારો – રજનીકાંત અને વિદ્યા બાલન પ્રથમ વખત એક જ ફ્રેમમાં સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મમાં વિદ્યાના આ બળવાખોર પાત્ર અને રજનીકાંત સાથેની તેની કેમિસ્ટ્રીને લઈને દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જાગી છે.

ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સ અને સિનેમાપ્રેમીઓ ખુલ્લીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ ફિલ્મ 1,000 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી પ્રથમ તમિલ ફિલ્મ બનીને ઈતિહાસ રચશે.” જ્યારે અન્ય એક ચાહકે લખ્યું, “૭૫ વર્ષની ઉંમરે પણ સિનેમા પર રાજ કરી રહ્યા છે, જ્યારે દંતકથા પોતે સ્ક્રીન પર હોય ત્યારે ઉંમર માત્ર એક આંકડો બની રહે છે.” વળી નેલ્સન દિલીપકુમારનું નિર્દેશન, રજનીકાંતનો માસ અવતાર અને અનિરુદ્ધ રવિચંદરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ ફિલ્મને સુપરહિટ બનાવશે તેવી ચાહકોને પૂરી ખાતરી છે.
ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમારના અનોખા ડાર્ક-કોમેડી અને એક્શન ડાયરેક્શનમાં બનેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં એસ.જે. સૂર્યા અને મિથુન ચક્રવર્તી પણ મહત્વના રોલમાં જોવા મળશે. પ્રથમ પાર્ટની અભૂતપૂર્વ સફળતા બાદ ‘જેલર ૨’ ને વધુ મોટા પાયે તૈયાર કરવામાં આવી છે. મસાલા એક્શન, સુપરસ્ટારડમ અને શ્રેષ્ઠ કલાકારોના સમન્વય સાથે આ ફિલ્મ આવનારી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
