મુંબઈ: આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો વ્યાપ જેટલી ઝડપથી વધી રહ્યો છે, તેટલો જ તેનો દુરુપયોગ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. તાજેતરમાં બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી જાનહ્વી કપૂર અને સુપરસ્ટાર જુનિયર એનટીઆરની હિટ ફિલ્મ ‘દેવરા: પાર્ટ ૧’ ના સુપરહિત ગીત ‘છુટ્ટા મલ્લે’ (Chuttamalle) નો એક એઆઈ-મોર્ફ્ડ (AI-morphed) અને અશ્લીલ ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને જાનહ્વીના ફેસ-સ્વેપિંગ દ્વારા તેને અત્યંત આપત્તિજનક રીતે રજૂ કરવામાં આવી હતી. આ વિવાદિત વીડિયો અંગે હવે જાનહ્વી કપૂરે પોતાનું મૌન તોડ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાની ગંભીર નારાજગી તથા આક્રોશ વ્યક્ત કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જાનહ્વી કપૂરે ટેકનોલોજીના ગુનાહિત દુરુપયોગની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેણે લખ્યું કે, “મહિલાઓને માત્ર એક વસ્તુ તરીકે દર્શાવવા અને તેમની સંમતિ (Consent) વિના કાલ્પનિક તથા અશ્લીલ સામગ્રી વાયરલ કરવા માટે ટેકનોલોજીનો આવો ગુનાહિત ઉપયોગ અત્યંત આઘાતજનક છે અને તે એક પ્રકારે જાતીય શોષણ (Sexual Assault) સમાન છે. મારી ઈન્ડસ્ટ્રીની લગભગ દરેક મહિલાએ કોઈને કોઈ સ્વરૂપે આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને દેશભરની સામાન્ય મહિલાઓ પણ આવી ડિજિટલ હિંસાનો ભોગ બની રહી છે.” જાનહ્વીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાનું શરીર, તેના ભૂતકાળના પોશાક કે નિર્ણયો ક્યારેય તેની મર્યાદાઓ ઓળંગવાની પરવાનગી આપતા નથી.
આ શરમજનક ઘટના સામે આવતાં જ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જાનહ્વીના સમર્થનમાં આવી ગઈ છે અને એઆઈના દુરુપયોગ સામે અવાજ ઉઠાવ્યો છે. જાનહ્વીના કો-સ્ટાર જુનિયર એનટીઆરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયોને “બીભસ્ત, બીમાર અને નિર્લજ્જ” ગણાવીને કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત, સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ આ કૃત્યને ‘ડિજિટલ જાતીય હુમલો’ ગણાવીને જવાબદારો સામે સખતમાં સખત સજાની માંગ કરી છે. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને અભિનેત્રી-રાજકારણી ખુશબુ સુંદરે પણ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા સરકાર અને વહીવટીતંત્રને એઆઈ કન્ટેન્ટ પર કડક નિયંત્રણો મૂકવા અપીલ કરી છે. જાનહ્વીએ પોતાના મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહેવા બદલ આ તમામ કલાકારોનો આભાર માન્યો હતો.
