અમદાવાદ: દેશના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (INDIA Bloc) દ્વારા નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે આયોજિત મહારેલીમાં હાજરી ન આપવી ગુજરાત યુવા કોંગ્રેસના નેતાઓને ભારે પડી ગઈ છે. દિલ્હી યાત્રા અને વિરોધ પ્રદર્શનના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં યોગ્ય કારણ આપ્યા વિના ગેરહાજર રહેવા બદલ ભારતીય યુવા કોંગ્રેસ (IYC) દ્વારા ગુજરાતના 49 જેટલા હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા આ અંગેનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. પક્ષના આદેશોનું અનાદર કરનારા અને માત્ર હોદ્દા ભોગવીને નિષ્ક્રિય રહેતા આવા ‘લગ્નના ઘોડાઓ’ જેવા નેતાઓને ઘરભેગા કરીને યુવક કોંગ્રેસે શિસ્ત અને જવાબદારીનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે યુવક કોંગ્રેસની જેમ હવે પ્રદેશ કોંગ્રેસે પણ આવા કામચોર નેતાઓ સામે આ જ પ્રકારની કડક કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ.
સસ્પેન્ડ કરવામાં આવેલા નેતાઓમાં પ્રદેશ સ્તરથી લઈને જિલ્લા અને શહેર કક્ષાના અગ્રણી હોદ્દેદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સસ્પેન્ડ કરાયેલા 49 નેતાઓમાં 25 પ્રદેશ કક્ષાના હોદ્દેદારો છે, જેમાં ઓપન, ઓબીસી (OBC), એસસી/એસટી (SC/ST) અને લઘુમતી કેટેગરીનું પ્રતિનિધિત્વ કરતા મહામંત્રીઓ તેમજ પ્રદેશ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ જિલ્લાઓ અને શહેરોના 24 યુવા કોંગ્રેસ પ્રમુખોને પણ પદ પરથી હટાવી દેવાયા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા શહેરના યુવા કોંગ્રેસ પ્રમુખો સામે ગાજ પડી છે.
ઉલ્લેખનીય છે કે, રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા ગઠબંધન દ્વારા મતદાર યાદીઓમાં કથિત ગડબડ અને વિસંગતતાઓના મુદ્દે વિરોધ દર્શાવવા અને વિપક્ષી દળોના સમર્થકોને એકજૂથ કરવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ માટે આ રેલી અત્યંત મહત્વપૂર્ણ હતી. પરંતુ આટલા મોટા આયોજન વખતે ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં નેતાઓ અને હોદ્દેદારો ગેરહાજર રહેતા રાષ્ટ્રીય નેતૃત્વે તેને સંગઠનાત્મક શિસ્તનો ગંભીર ભંગ ગણ્યો છે. સંગઠનની આ કાર્યવાહી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. ઇન્ડિયન યુથ કોંગ્રેસે દેશના 7 રાજ્યો અને ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ યુનિટના મળીને કુલ 215 હોદ્દેદારોને ગેરહાજરી બદલ સસ્પેન્ડ કર્યા છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો, મધ્ય પ્રદેશના સૌથી વધુ 60, ઝારખંડના 32, પશ્ચિમ બંગાળના 26, તેલંગાણાના 14, હિમાચલ પ્રદેશના 13, હરિયાણાના 10 અને ઉત્તર પ્રદેશ સેન્ટ્રલના 11 હોદ્દેદારો સામે કડક સસ્પેન્શનના આદેશો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ હવે પક્ષમાં માત્ર શોભાના ગાંઠિયા બનીને ફરતા નેતાઓને સહન કરવાના મૂડમાં નથી તે આ ગંભીર કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે. દેશભરમાં યુવક કોંગ્રેસે આ કડક પગલું ભરીને એક આકરો સંદેશ આપ્યો છે કે સંગઠન પ્રત્યે નિષ્ઠા નહીં રાખનારાઓ સામે ગમે ત્યારે હકાલપટ્ટી થઈ શકે છે.
