ગાંધીનગર: ગુજરાતમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક અટકાયતી પગલાં અને સમીક્ષા અર્થે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સમગ્ર રાજ્યના જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહકજન્ય રોગોની વર્તમાન પરિસ્થિતિ અંગે ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગાંધીનગર ખાતે આવનારી ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ માં ભાગ લેવા આવેલા સેના અને સુરક્ષા દળોના જવાનોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય મંત્રીએ યુદ્ધના ધોરણે ફોગિંગ અને સર્વેલન્સ હાથ ધરવાના આદેશ આપ્યા હતા.
આગામી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા અર્થે દેશના વિવિધ રાજ્યોમાંથી BSF, CRPF અને ITBP ના હજારો જવાનો તારીખ ૨૧ સપ્ટેમ્બરથી ગાંધીનગર આવી પહોંચ્યા છે. આ જવાનોની કામચલાઉ રહેવાની વ્યવસ્થા ગાંધીનગર શહેરના સેક્ટર-૨૮ અને ૨૯ ખાતે આવેલા નવા બનેલા સરકારી આવાસોમાં કરવામાં આવી છે. આ આવાસ પરિસરમાં ચોમાસાના કારણે ભરાયેલા પાણી અને મચ્છરોના ઉપદ્રવને લીધે કેટલાક જવાનો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા, જેઓ હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જવાનોના સ્વાસ્થ્ય અંગે ગંભીરતા દાખવતા આરોગ્ય મંત્રીએ ત્વરિત સૂચના આપી હતી કે આવાસ પરિસરના દરેક બ્લોક દીઠ ૪-૪ આરોગ્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવે અને ક્યાંય પણ પાણી એકત્રિત ન થાય તે માટે તાત્કાલિક ધોરણે નિકાલની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.
આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા જવાનોના નિવાસસ્થાન તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાવનું ઘેર-ઘેર સર્વેલન્સ, પોરાનાશક (લાર્વિસાઇડ) દવાઓનો છંટકાવ, પેશન્ટ ટ્રેકિંગ અને દૈનિક સઘન ફોગિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીએ રાજ્યમાં રોગચાળાની સ્થિતિ અંગે રાહત આપતા આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો અને જાગૃતિ ઝુંબેશના પરિણામે વર્ષ ૨૦૨૫ ની સરખામણીએ વર્ષ ૨૦૨૬ માં રાજ્યભરમાં મેલેરિયાના કેસોમાં ૩૯.૬ ટકા અને ડેન્ગ્યુના કેસોમાં ૨૦.૬ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષના ૪૦મા સપ્તાહ સુધીમાં ૧.૩૯ કરોડથી વધુ લોહીના નમૂનાઓની તપાસમાં ૧,૪૦૧ મેલેરિયાના કેસ અને ૧.૫૦ લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસમાં ૨,૩૪૫ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે.
રાહતની વાત એ પણ છે કે રાજ્યમાં છેલ્લા બે મહિના દરમિયાન ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી જ આરોગ્ય ટીમોની રાત-દિવસની નિષ્ઠાપૂર્વકની કામગીરીના પરિણામે આ વાયરસના ફેલાવાને સફળતાપૂર્વક અટકાવી શકાયો છે, જે બદલ આરોગ્ય મંત્રીએ સમગ્ર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં રાજ્યભરમાં મેલેરિયા વિરોધી દવાઓ, જંતુનાશકો અને ટેસ્ટિંગ કિટ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતા આરોગ્ય મંત્રીએ નાગરિકોને પોતાના ઘર અને આસપાસના પરિસરમાં પાણી ભરાઈ ન રહે તે માટે વિશેષ તકેદારી રાખવા અને વાહકજન્ય રોગોથી બચવા યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી હતી.
