ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાની કોર્ટના પરિસરમાંથી એક અત્યંત અજીબોગરીબ અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે. કોર્ટ કમ્પ્લેક્સની બહાર એક કપિરાજે વકીલના આસિસ્ટન્ટના હાથમાંથી આશરે રૂપિયા ૨ લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. આટલેથી ન અટકતા, કપિરાજ બેગ લઈને સીધો નજીકના એક મોટા લીમડાના ઝાડ પર ચઢી ગયો હતો અને ત્યાંથી રૂપિયા ૫૦૦ની ચલણી નોટોનો આકાશમાંથી વરસાદ શરૂ કર્યો હતો. હવામાં ઉડતી નોટો જોઈને નીચે ઉભેલા લોકોમાં પૈસા વીણવા માટે ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી.
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ પેપર ખરીદવા જતા બની ઘટના
મળતી માહિતી મુજબ, આ ઘટના બુલંદશહર જિલ્લા કોર્ટ પરિસરમાં ત્યારે બની જ્યારે એક વ્યક્તિ એડવોકેટ આમિરની ચેમ્બરમાં એક બેનામી મિલકતનો દસ્તાવેજ (Benami Deed) અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું કામ કરાવવા માટે આવ્યો હતો. વકીલના સાથીદાર રવીન્દ્ર લોઢી ઉર્ફે રાજુ આ દસ્તાવેજ માટે જરૂરી સ્ટેમ્પ પેપર ખરીદવા માટે આશરે રૂપિયા ૨ લાખની રોકડ રકમ એક બેગમાં ભરીને સ્ટેમ્પ વેન્ડર તરફ જઈ રહ્યા હતા. તેઓ જેવા ચેમ્બરની બહાર નીકળીને આગળ વધ્યા, કે તરત જ એક તોફાની કપિરાજ ક્યાંકથી ધસી આવ્યો હતો અને સેકન્ડોમાં તેમના હાથમાંથી રોકડ ભરેલી બેગ આંચકીને લીમડાના ઝાડ પર ભાગી ગયો હતો.
ખાવાનું શોધવાની ચક્કરમાં કપિરાજે તોડી નાખી બેગ, હવામાં ઉડી નોટો
ઝાડની ટોચ પર પહોંચીને કપિરાજે કદાચ એમ વિચાર્યું કે બેગની અંદર કોઈ ખાવાની વસ્તુ હશે. ખોરાકની શોધમાં કપિરાજે બેગને બચકા ભરીને ફાડી નાખી હતી. જેવી બેગ ફાટી કે તરત જ તેની અંદર રાખેલા રૂપિયા ૫૦૦ ના દરની નોટોના બંડલો એકપછી એક નીચે પડવા લાગ્યા હતા. ઝાડ પર બેસીને કપિરાજ નોટો નીચે ફેંકી રહ્યો હતો અને નીચે લોકો આ ‘નોટોનો વરસાદ’ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. જોતજોતામાં ત્યાં મોટું ટોળું એકઠું થઈ ગયું અને લોકો જમીન પર વેરાયેલી નોટો ગજવામાં મૂકવા માટે એકબીજા પર તૂટી પડ્યા હતા, જેના કારણે કોર્ટ પરિસરમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.
પોલીસે એક્શનમાં આવીને ૧.૯૮ લાખ રૂપિયા મૂળ માલિકને પરત અપાવ્યા
કોર્ટ પરિસરમાં મચેલી આ ધમાલની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ ભીડને કાબૂમાં લીધી હતી અને ઝાડ પરથી તેમજ નીચે ગ્રાઉન્ડ પરથી વેરવિખેર થયેલી કરન્સી નોટોને રિકવર કરવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. સદનસીબે, પોલીસ પ્રશાસન અને તકેદારીના કારણે સ્થળ પરથી કુલ રૂપિયા ૧.૯૮ લાખની રોકડ રકમ સહીસલામત રિકવર કરી લેવામાં આવી હતી. માત્ર ૨,૦૦૦ રૂપિયાની ઘટ પડી હતી. પોલીસે ગણતરી કરીને તમામ રકમ તેના અસલી માલિકને પરત સોંપી દેતા વકીલ મંડળ અને પીડિત આસિસ્ટન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.
