ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ગૃહમાં સમાન નાગરિક કાયદા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર સંવિધાનના આર્ટિકલ 44નો હવાલો આપીને UCC લાવવા માંગતી હોય, તો આર્ટિકલ 46 મુજબ પછાત વર્ગોના કલ્યાણ અને તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાની જવાબદારી પણ નિભાવવી જોઈએ. ઇટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે એક મજૂરના બાળક અને મુખ્યમંત્રીના બાળકને સમાન શિક્ષણ અને સુવિધા નથી મળતી, તો આ કેવી સમાનતા?”
લીવ-ઇન રિલેશનશિપ અને બાળકોના ભવિષ્યનો પ્રશ્ન
ગોપાલ ઇટાલિયાએ લીવ-ઇન રિલેશનશિપની નોંધણીના કાયદા સામે ગંભીર વાંધો ઉઠાવતા મહાભારતના કર્ણનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો કે, “સરકાર લીવ-ઇન રિલેશનશિપ રજીસ્ટર કરવાની છૂટ આપે છે, પરંતુ જો થોડા સમય બાદ સંબંધ તૂટી જાય તો એ સંબંધથી જન્મેલા બાળકોની જવાબદારી કોણ લેશે? જવાબદારી વગરના આવા સંબંધોથી સામાજિક ગૂંચવણો વધશે.” તેમણે ઉમેર્યું કે કોઈ પણ કાયદો બનાવતા પહેલા માનવતા અને સામાજિક હિતનો વિચાર કરવો અનિવાર્ય છે.
આદિવાસી અને ભટકતી જાતિઓ માટે અસ્પષ્ટતા
UCC ની જોગવાઈઓ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, કાયદામાં આદિવાસી સમાજને મુક્તિ અપાઈ છે, પરંતુ જો કોઈ આદિવાસી વ્યક્તિ બિન-આદિવાસી સાથે લગ્ન કરે તો કયો નિયમ લાગુ પડશે તે બાબતે સરકાર પાસે કોઈ સ્પષ્ટતા નથી. વધુમાં, 60 દિવસમાં લગ્ન નોંધણીના નિયમ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતમાં લાખો ભટકતી અને વિમુક્ત જાતિના લોકો છે જેમની પાસે કાયમી સરનામું જ નથી, તેઓ આ નિયમનું પાલન કેવી રીતે કરશે?
લગ્ન નોંધણી અધિનિયમ પર વિરોધાભાસ
સરકારની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા ઇટાલિયાએ કહ્યું કે, એક તરફ ગૃહમંત્રી લગ્ન નોંધણી અધિનિયમ 2006 માં સુધારા માટે વાંધા-સૂચનો મંગાવે છે અને બીજી તરફ કાયદો જ રદ કરવાની વાત કરે છે. તેમણે કટાક્ષ કર્યો કે, “સરકારે લીંબડાની ડાળ પર ઝૂલો બાંધવાનું કહ્યું હતું, પણ હવે લીંબડો જ કાપી નાખ્યો, તો ઝૂલો ક્યાં બાંધશો?”
અંતમાં તેમણે વિનંતી કરી કે UCC ના નામે માત્ર સામાજિક નિયમો નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, વીજળી અને રોજગારમાં પણ સમાનતા લાવતો કાયદો લાવવામાં આવે જેથી જનતાને સાચો લાભ મળે.
