વડોદરા: વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ હંમેશા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઐતિહાસિક વારસાની જાણકારી માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાના ફોટોગ્રાફ્સ શેર કરીને તેની સરખામણી વડોદરાના લોકપ્રિય રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે કરી છે. વિજય દેવરકોન્ડાના લગ્નના વસ્ત્રો (Bridegroom look) ની પ્રશંસા કરતા મહારાણીએ આ લુકને ‘બેસ્ટ ડ્રેસ્ડ’ ગણાવ્યો છે.

બ્લુ સિલ્ક ક્લોક અને મહારાજા સયાજીરાવનો ઈતિહાસ
રાધિકારાજે ગાયકવાડે વિજય દેવરકોન્ડા દ્વારા પહેરવામાં આવેલા ‘ફાલ્ગુની શેન પીકોક’ ના સ્કાય બ્લુ સિલ્ક ક્લોક (Cloak) ની તુલના મહારાજા સયાજીરાવના ખાસ પોશાક સાથે કરી છે. મહારાણીએ લખ્યું કે આ બ્લુ ક્લોક વર્ષ ૧૯૧૯માં મહારાજા સયાજીરાવે પહેરેલા વસ્ત્રોની યાદ અપાવે છે, જ્યારે તેમને બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ‘મોસ્ટ એક્ઝોલ્ટેડ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા’ ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ જ પ્રકારનો પોશાક મહારાજાએ ૧૯૩૦માં તેમના ૬૦ વર્ષના શાસનની ઉજવણી દરમિયાન પણ પહેર્યો હતો.

૧૯૧૧ના દિલ્હી દરબારનો યાદગાર કિસ્સો
મહારાણીએ તેમની પોસ્ટમાં મહારાજા સયાજીરાવના વ્યક્તિત્વ અને તેમની ડ્રેસિંગ સેન્સ પાછળના ગૂઢ અર્થને પણ સમજાવ્યો છે. તેમણે ૧૯૧૧ના દિલ્હી દરબારનો ઉલ્લેખ કર્યો જ્યાં મહારાજાએ અત્યંત સાદગીપૂર્ણ અંગરખું પહેરીને બ્રિટિશ સમ્રાટનું અભિવાદન કર્યું હતું. આ બ્લુ ક્લોક માત્ર શાહી પ્રતીક નહોતું પણ ભારતીય રાષ્ટ્રવાદી ચળવળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને છુપાવવા માટેનું એક ‘કેમફ્લાજ’ (Camouflage) પણ હતું.

મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૬૩મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવેલી આ પોસ્ટ દ્વારા મહારાણીએ એ વાત પર ભાર મૂક્યો છે કે મહારાજા ખરા અર્થમાં એવા ‘મેઈન કેરેક્ટર’ હતા જેઓ કપડાં દ્વારા પોતાની શક્તિ અને પદની ગરિમાને અભિવ્યક્ત કરવાનું જાણતા હતા.
