વડોદરા: વડોદરા મધ્યે ચોમાસાની શરૂઆત પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આજવા સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની ભવ્ય કથા અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે વડોદરાના નવ નિયુક્ત મેયર ગીતાબેન મકવાણા મુખ્ય યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સહિત કોર્પોરેશનના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ કથાનો શ્રવણ લાભ લીધો હતો.
આ પ્રસંગે ટીમ વડોદરા (VMC) ના સભ્યોએ વડોદરા શહેર અને તેની આજુબાજુના કેચમેન્ટ એરિયા (જ્યાંથી પાણી વહીને સરોવરમાં આવે છે) માં આ વર્ષે સારો અને પૂરતો વરસાદ થાય તે માટે વરુણ દેવને ખાસ પ્રાર્થના કરી હતી, જેથી આગામી સમગ્ર વર્ષ દરમિયાન વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.
પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે VMC સજ્જ
આ ધાર્મિક ઉત્સવની સાથે-સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરૂણ મહેશ બાબુએ સંસ્કારી નગરીના નાગરિકોની સુખાકારી, પ્રગતિ અને પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કરાયેલા શોર્ટ-ટર્મ અને લોંગ-ટર્મ આયોજનની વિગતવાર માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના કમિશનર અરૂણ મહેશ બાબુએ શહેરની પાણીની સમસ્યાના નિવારણ અને આયોજન અંગે માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, ટીમ વડોદરા (VMC) દ્વારા આજવા સરોવર ખાતે વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી, પ્રગતિ અને પૂરતા પીવાના પાણીની ઉપલબ્ધતા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર અને તેની આજુબાજુના કેચમેન્ટ એરિયા (જ્યાંથી પાણી સરોવરમાં આવે છે) માં સારો વરસાદ થાય તે માટે વરુણ દેવને પ્રાર્થના કરવામાં આવી છે, જેથી આગામી એક વર્ષ સુધી વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે.
આગામી મહિનાઓમાં જ વધશે પાણીનો જથ્થો : VMC કમિશનર
તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે વડોદરામાં પૂરતું પાણી લાવવા માટે નવી સિસ્ટમ ઊભી કરવાની વાત થઈ હતી. તે અંતર્ગત આ વર્ષે 125 MLD (મિલિયન લીટર પ્રતિ દિન) ક્ષમતાના પોન્ટૂન્સ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત આગામી જુલાઈ મહિના પહેલા વડોદરા શહેરને 75 MLD જેટલું વધારાનું પાણી પૂરું પાડવાનો પ્રયત્ન છે. બાકીનું 50 MLD પાણી ડિસેમ્બર મહિના સુધીમાં નિમેટા પ્લાન્ટ રેડી થઈ ગયા બાદ ત્યાંથી પમ્પિંગ કરીને પહોંચાડવામાં આવશે. આ સિવાય, સિંધરોટ વેસ્ટ ઝોનમાંથી હાલમાં જે 150 MLD પાણી આવી રહ્યું છે, ત્યાં વધુ 150 MLD પાણી લાવવા માટેનું આયોજન ચાલુ છે.
વર્ષ ૨૦૪૭ સુધી વડોદરામાં નહીં સર્જાય પાણીની અછત
મ્યુનિસિપલ કમિશનરે વડોદરાના ભવિષ્યને સુરક્ષિત કરતા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ અંગે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના પાણીના સ્ત્રોતો વધારવા અને વર્ષ 2047 સુધી પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ અને આયોજન કરવામાં આવી રહ્યું છે. સરોવરમાંથી પાણી મેળવવાની સાથે-સાથે વડોદરા શહેરની અંદર પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુધારવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેને વોર્ડ વાઇઝ ધીમે-ધીમે વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.
