સુરત: તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે માત્ર સરકારી કાયદા-માર્ગદર્શિકાનું પાલન કરવું જ પૂરતું નથી, પરંતુ પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજીને સ્વચ્છતા, ગુણવત્તા તથા પારદર્શકતાને પ્રાથમિકતા આપતા રેસ્ટોરન્ટ સંચાલકો સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. આ જ ઉદ્દેશ્ય અને પ્રોત્સાહકના ભાવ સાથે રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના મોટા વરાછા સ્થિત ‘ચુંદડી રેસ્ટોરન્ટ’ તેમજ ‘મૌસમ રેસ્ટોરન્ટ’ ની ખાસ મુલાકાત લીધી હતી. રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા ગ્રાહકોને શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા માટે કરવામાં આવેલી અનોખી અને પારદર્શક વ્યવસ્થાઓની પ્રફુલ પાનશેરીયાએ મુક્તમને સરાહના કરી હતી.
ખાસ નોંધનીય બાબત એ છે કે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા આ મુલાકાત દરમિયાન કોઈ દબાણ લાવવા કે આકસ્મિક તપાસના હેતુથી નહીં, પરંતુ સ્વચ્છતા અને પારદર્શકતા માટે સ્વયં પહેલ કરનારા રેસ્ટોરન્ટ સંચાલકોનો ઉત્સાહ વધારવા અને તેમને બિરદાવવા પહોંચ્યા હતા. રેસ્ટોરન્ટમાં રસોડાની આત્યંતિક સ્વચ્છતા જાળવવા ઉપરાંત કિચનમાં સીસીટીવી (CCTV) કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેનું લાઈવ ડિસ્પ્લે ગ્રાહકોના બેઠક વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી રસોડામાં કઈ રીતે ભોજન તૈયાર થાય છે તે અંગે ગ્રાહકોને પ્રત્યક્ષ દર્શન થાય છે, જેથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં કયા બ્રાન્ડની ચીઝ, પનીર કે બટરનો ઉપયોગ થાય છે તેના સ્પષ્ટ બોર્ડ લગાવાયા છે અને એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ થતો નથી તેની સત્તાવાર જાહેરાત કરાઈ છે. મંત્રીશ્રીએ રેસ્ટોરન્ટ માલિકનું ચુંદડી ઓઢાડીને સન્માન કર્યું હતું.
નવરાત્રિના પાવન પ્રથમ દિવસે સૌના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે માં જગદંબા સમક્ષ પ્રાર્થના કરતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “સ્વચ્છ રસોડું એ સ્વસ્થ ગુજરાત તરફનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે.” તેમણે ઉમેર્યું હતું કે જનઆરોગ્યની જાળવણી માત્ર સરકાર કે આરોગ્ય વિભાગની જવાબદારી નથી, પરંતુ ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની તેમાં સક્રિય ભૂમિકા છે. સુરતના મોટા વરાછાથી શરૂ થયેલી આ પારદર્શક કિચન પ્રોટોકોલની પહેલ સમગ્ર ગુજરાતના અન્ય રેસ્ટોરન્ટ સંચાલકો માટે એક આદર્શ ઉદાહરણ બનશે.
પ્રફુલ પાનશેરીયા અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યના તમામ રેસ્ટોરન્ટ સંચાલકોને અપીલ કરી હતી કે તેઓ પણ પોતાના કિચનમાં સીસીટીવી કેમેરા ગોઠવે, રસોડાની સ્વચ્છતા ગ્રાહકો જોઈ શકે તેવી ખુલ્લી કે ડિજિટલ વ્યવસ્થા ઊભી કરે અને ગુણવત્તાયુક્ત બ્રાન્ડેડ સામગ્રીનો જ ઉપયોગ કરે. આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદાનો ડર ઊભો કરવાનો નથી, પરંતુ વેપારીઓમાં નૈતિક જવાબદારીની ભાવના કેળવીને આ પહેલને એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે.
