અમદાવાદ: અડગ મનોબળ, અતૂટ પરિશ્રમ અને કઠોર સમર્પણ હોય તો ધાર્યા લક્ષ્યોને ચોક્કસ પાર કરી શકાય છે, અને આ વાતને કચ્છના એક સામાન્ય ગામની દીકરીએ સાચી સાબિત કરી બતાવી છે. અમદાવાદ ખાતે તા. ૨૩ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત વૈશ્વિક સ્તરની પ્રીમિયમ ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬’ માટે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવીને કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઇબેન ગઢવીએ એક નવો જ ઇતિહાસ રચ્યો છે. સભાઇબેન આ પ્રતિષ્ઠિત ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા કબડ્ડી ખેલાડી બન્યા છે, જે સમગ્ર ગુજરાત રાજ્ય અને કચ્છી સમાજ માટે અત્યંત ગૌરવ અને ઉત્સાહની ક્ષણ છે.
કચ્છની માટીથી વૈશ્વિક મંચ સુધીની અદભુત સફર
સભાઇબેનની આ પ્રેરણાદાયી કબડ્ડી સફરની શરૂઆત અત્યંત સાધારણ પરિસ્થિતિમાં મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં-૨ ના રમતના મેદાનથી થઈ હતી. તેમની છુપી પ્રતિભાને ઓળખીને શાળાના આચાર્ય મયુર જોશી અને શિક્ષક હરેશ પંડ્યાએ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને ગુજરાત સરકાર દ્વારા આયોજિત લોકપ્રિય ‘ખેલ મહાકુંભ’ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કર્યા હતા. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે મોરબી ખાતે નવજીવન વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો અને કોચ વિજયકુમાર ચૌધરી તથા નરસિંહ રબારીના માર્ગદર્શન હેઠળ પોતાની રમતને વધુ નિખારી હતી. વર્ષ ૨૦૧૬માં વડોદરા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં તેમની શાળાની ટીમ ચોથા સ્થાને રહી હતી, જ્યારે વર્ષ ૨૦૧૭માં ભાવનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરીને તેમની ટીમ રનર્સ-અપ (દ્વિતીય સ્થાન) રહી હતી.
તેમની અથાક મહેનતના જોરે વર્ષ ૨૦૧૮માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) ની પરીક્ષામાં તેઓ સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. પરિણામે, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન SAG ની ડીએલએસએસ યોજના હેઠળ તેમણે પીટી ખેલાડી તરીકે વિશિષ્ટ તાલીમ મેળવી હતી. રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ અને મેડલ જીતવાની તેમની સિદ્ધિને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૨માં COE યોજના હેઠળ તેમની પસંદગી થઈ હતી. આ ઉપરાંત, સતત શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે વર્ષ ૨૦૨૪માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI) ના એનસીઓઇ (NCOE), ગાંધીનગર ખાતે તેમની પસંદગી કરવામાં આવી હતી, જ્યાં તેઓ હાલમાં અત્યાધુનિક તાલીમ મેળવી રહ્યાં છે.
ખેલ મહાકુંભમાં અંડર-૧૪ કક્ષાએ બ્રોન્ઝ અને અંડર-૧૭ કક્ષાએ ગોલ્ડ મેડલ, એસજીએફઆઈ (SGFI) અંડર-૧૯ માં ગોલ્ડ મેડલ તેમજ રાજ્ય કક્ષાની સબ-જુનિયર અને સિનિયર સ્પર્ધાઓમાં અનેક સ્વર્ણ પદકો મેળવીને તેમણે પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. તેમણે રાષ્ટ્રીય સ્પર્ધાઓ ઉપરાંત ૨૦મી એશિયન ગેમ્સ માટેના ભારતીય પ્રશિક્ષણ કેમ્પમાં પણ ભાગ લીધો હતો. હાલમાં અમદાવાદ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં એક મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન બદલ તેમને ‘બેસ્ટ ડિફેન્ડર’ તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે, અને તેમની આ સિદ્ધિથી ભારતીય મહિલા કબડ્ડી ટીમ સેમિફાઇનલ રાઉન્ડમાં પહોંચી છે. મોટા ભાડિયાના સાધારણ મેદાનથી શરૂ થયેલી સભાઇબેનની આ સફર સાબિત કરે છે કે જો સાચું માર્ગદર્શન અને દ્રઢ સંકલ્પ હોય તો ગુજરાતની દીકરીઓ વૈશ્વિક આકાશને પણ સર કરી શકે છે.