અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પોતાના આક્રમક તેવર બતાવતા વિશ્વને હચમચાવી દે તેવી ચેતવણી આપી છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે, “આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે, જે કદાચ ક્યારેય પાછી નહીં આવે. હું આવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ આવું જ થશે.” ટ્રમ્પની આ ટિપ્પણીથી મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધનો ભય ઘેરો બન્યો છે.
હોર્મુઝની સામુદ્રધુની અને ડેડલાઇન
આ વિવાદનું મુખ્ય કેન્દ્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) છે, જે વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વનો જળમાર્ગ છે. ઈરાને આ માર્ગ પર બ્લોકેડ (નાકાબંધી) કરી છે. ટ્રમ્પે ઈરાનને મંગળવારે રાત્રે 8 વાગ્યા (અમેરિકન સમય મુજબ) સુધીની ડેડલાઇન આપી છે. જો આ સમય સુધીમાં ઈરાન રસ્તો નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટર પર મોટા પાયે હુમલો કરવા તૈયાર છે.
સત્તા પરિવર્તનનો સંકેત
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં “Complete and Total Regime Change” (સંપૂર્ણ સત્તા પરિવર્તન) નો ઉલ્લેખ કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે જો ઈરાનમાં ‘વધુ સ્માર્ટ’ અને ‘ઓછા કટ્ટરપંથી’ લોકો સત્તા પર આવશે, તો કંઈક ક્રાંતિકારી અને અદ્ભુત બની શકે છે. ટ્રમ્પે છેલ્લા 47 વર્ષના ઈરાનના શાસનને ‘ભ્રષ્ટાચાર અને મૃત્યુ’નો કાળ ગણાવ્યો છે.

સૈન્ય તૈયારીઓ અને પ્રાદેશિક સ્થિતિ
પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ વિભાગ) એ પુષ્ટિ કરી છે કે તેઓ ઈરાનના લોજિસ્ટિક્સ અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. અગાઉ ઈસ્ટર રવિવારે પણ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન શરતો નહીં માને તો તેને ‘નરક’ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. બીજી તરફ, ઈરાને હજુ સુધી અમેરિકાની શરતો સ્વીકારી નથી અને યુદ્ધના નુકસાનના વળતરની માંગ કરી છે.
વિશ્વભરની નજર હવે આ મધ્યરાત્રિની ડેડલાઇન પર છે, કારણ કે આ એક નિર્ણય વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ પર મોટી અસર કરી શકે છે.
