અમદાવાદ: અમદાવાદની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026’નો રંગેચંગે પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રકૃતિના અનોખા ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ વર્ષે ફ્લાવર શો “ભારત એક ગાથા” થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અગણિત પુષ્પોની મહેંક વચ્ચે ભારતની ભવ્ય વિરાસત અને આધુનિક વિકાસયાત્રાનું અદભૂત દર્શન કરાવવામાં આવ્યું છે.
મુખ્ય આકર્ષણો અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
આ ફ્લાવર શોમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ ઝોન મુલાકાતીઓને ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક ભારતની ઝલક પૂરી પાડે છે. પ્રદર્શનના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:
વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતાના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરાયું છે, જે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માટે દાવેદારી નોંધાવશે.
વિશાળ ફૂલમંડળ: ૩૦ મીટરનું ભવ્ય અને વિશાળ ફૂલમંડળ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્ત્રી સશક્તીકરણ: મુખ્યમંત્રીના હસ્તે ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા ખાસ સ્કલ્પચરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક ધરોહર: યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર – દિવાળી’ પરની વિશેષ કૃતિ પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
વૈવિધ્યસભર ઝોન: રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ અને ભારતના વિવિધ નૃત્યરૂપો દર્શાવતા ઝોન મુલાકાતીઓ માટે યાદગાર અનુભવ પૂરો પાડશે.
બાળકો માટે વિશેષ આકર્ષણ અને શિક્ષણ
આયોજનમાં બાળકો માટે પણ વિશેષ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. લાખો રંગબેરંગી ફૂલો દ્વારા કંડારાયેલી ભારતની વિકાસગાથા નવી પેઢી માટે પ્રેરણાદાયી સાબિત થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વિવિધ ઝોનની મુલાકાત લઈને આકર્ષક ફ્લાવર સ્કલ્પચર્સ નિહાળ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલા આયોજનને બિરદાવ્યું હતું.
દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી સજ્જ આ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય ફ્લાવર શો ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.
