મોરબીમાં ‘આમ આદમી પાર્ટી’ દ્વારા ‘ગુજરાત જોડો જનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના વરિષ્ઠ નેતા ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. સભા ચાલી રહી હતી તે દરમિયાન એક યુવકે સ્ટેજ પાસે ઊભા થઈને નેતાઓને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો. યુવક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો હતો તે જ સમયે, સ્ટેજ પર હાજર એક કાર્યકરે તેને લાફો મારી દીધો. આ ઘટનાનો વીડિયો તરત જ મોબાઈલ ફોનમાં રેકોર્ડ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સવાલ પૂછવા આવેલા યુવક સાથે આપના કાર્યકરે ગેરવર્તણૂક કરી. વીડિયો વાયરલ થયા બાદ આપના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર સીધો પ્રહાર કર્યો. તેમણે દાવો કર્યો કે યુવક સામાન્ય નાગરિક નહોતો, પરંતુ ભાજપ દ્વારા સભામાં ગરબડ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ઈસુદાને કહ્યું કે, ભાજપ આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગયું છે અને એટલે જ આવા હીન કૃત્યો કરાવી રહ્યું છે.
https://twitter.com/isudan_gadhvi/status/1952643822661595602
ઈશુદાન ગઢવીએ ટ્વીટર પર ટ્વીટ કરતાં લખ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના ભ્રષ્ટાચાર સામે ખૂબ જ મજબૂતીથી લડી રહી છે અને તેના કારણે ભાજપ સંપૂર્ણપણે નારાજ છે. મેં હંમેશા ગરીબો, વંચિતો અને શોષિતો માટે સરકાર સામે લડત આપી છે અને લડતો રહીશ અને ભાજપ મને રોકી શકશે નહીં. ભાજપ ગમે તેટલી યુક્તિઓ વાપરે, તેમાંથી કોઈ કામ નહીં આવે કારણ કે ગુજરાતના લોકો હવે ભાજપનો અસલી ચહેરો ઓળખી ગયા છે. અમે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારને વધુ મજબૂતીથી લોકો સમક્ષ લાવીશું અને લોકોના હકો માટે લડતા રહીશું.
આ સાથે ઈસુદાન ગઢવીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. અને આ અંગે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગત સાંજે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જ્યાંરથી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી છે. ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે. ભાજપ આ સભાઓથી એટલી ડરી ગઈ છે કે, મારી સભામાં ભાજપના મળતીયાઓએ વ્યક્તિને મોકલીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે.