વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં ગુજરાતે એક સુવર્ણ અધ્યાય રચ્યો છે. એશિયાઈ સિંહોની ભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતા ગુજરાતે હવે તેની સરહદોમાં વાઘની સૌથી લાંબી હાજરી નોંધાવીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગુજરાત સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ વન્યજીવન અભયારણ્યના જંગલોમાં વાઘની હાજરી છે.
કેમેરામાં ટ્રેપ થયો વાઘ: 9 મહિનાથી રતનમહાલમાં રહેઠાણ
વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે રતનમહાલના જંગલોમાં એક નર વાઘ છેલ્લા નવ મહિનાથી પોતાનું રહેઠાણ બનાવી રહ્યો છે. આ વાઘ મધ્યપ્રદેશ (MP) માંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની ઉંમર લગભગ ચાર વર્ષની છે. વન વિભાગ દ્વારા જંગલમાં લગાવવામાં આવેલા કેમેરામાં આ વાઘ વારંવાર ટ્રેપ થયો છે, જે તેની સતત ઉપસ્થિતિનો નક્કર પુરાવો આપે છે. વાઘની હાજરીથી ગુજરાતના વનપ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ભારતનું એકમાત્ર રાજ્ય: સિંહ, દીપડો અને વાઘ
આ પુષ્ટિ સાથે ગુજરાત રાજ્ય ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં ત્રણ મુખ્ય મોટી બિલાડીની પ્રજાતિઓ – એશિયાઈ સિંહ, દીપડો (ચિત્તો) અને હવે વાઘ – એકસાથે જોવા મળે છે. આ સિદ્ધિ વન્યજીવ સંરક્ષણ અને જંગલોના સંવર્ધન માટે ગુજરાત સરકાર અને વન વિભાગના સતત પ્રયાસોનું પરિણામ છે.
ધાનપુરમાં દીપડાનું સફળ રેસ્ક્યૂ
દરમિયાન, ધાનપુર વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણની અન્ય એક સફળતા નોંધાઈ હતી. ધાનપુરમાં એક કૂવામાં ખાબકેલા દીપડાનું લગભગ ત્રણ દિવસની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ૭૦થી વધુ કર્મચારીઓની ટીમે પાંજરા અને જાળની મદદથી આ દીપડાને જીવતો બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.
આ બંને ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાતના જંગલો હવે માત્ર એશિયાઈ સિંહો માટે જ નહીં, પરંતુ ભારતના વન્યજીવ સંરક્ષણ નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ઐતિહાસિક ક્ષણ ગુજરાતના વનપ્રેમીઓ માટે ગૌરવની લાગણી લઈને આવી છે.
