ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. આ મારામારીમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક આતંકી પર અન્ય કેદીઓએ જીવલેણ હુમલો કર્યો છે.
આ હુમલાનો ભોગ બનેલ આતંકવાદીનું નામ ડો. અહમદ સૈયદ આઝાદ છે, જે હાલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ છે.
બોલાચાલી બાદ મામલો બિચક્યો
સાબરમતી જેલમાં કેદ અન્ય કેદીઓ અને ડો. અહમદ સૈયદ આઝાદ વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે ઉશ્કેરાયેલા કેદીઓએ આતંકવાદી ડો. અહમદને માર મારવાનું શરૂ કર્યું હતું.
આ મારપીટમાં ડો. અહમદને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ઈજાના પગલે જેલ સત્તાવાળાઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં ડો. અહમદ સાથે અન્ય આતંકી સોહિલ પણ જેલમાં કેદ છે.
જેલ પ્રશાસન દ્વારા તપાસનો ધમધમાટ
સાબરમતી જેલમાં આતંકવાદી પર થયેલા આ જીવલેણ હુમલાની ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્ર દોડતું થયું છે. જેલમાં કેદીઓ વચ્ચે કઈ બાબતે મારામારી થઈ? શું આ હુમલો કોઈ પૂર્વ-આયોજિત કાવતરાનો ભાગ હતો? અથવા કેદીઓ વચ્ચે માત્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ હુમલો જેલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે એક હાઈ-પ્રોફાઇલ આતંકવાદી કેદી પર અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવે. પોલીસ ટૂંક સમયમાં જ ઘટનાની વિગતો અને હુમલામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
