ગુજરાતના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવાના લક્ષ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના કર્મયોગી ભવન સ્થિત ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) ની કચેરી ખાતે ‘વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમ’નું લોકાર્પણ કર્યું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સ્ટ્રેટેજી રૂમમાં ઉપલબ્ધ ડિજિટલ ડેશબોર્ડ, લાઇબ્રેરી, પોડકાસ્ટ એરિયા તેમજ સંશોધન અને વિશ્લેષણની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ રૂમ ગુજરાતના ભવિષ્યલક્ષી આયોજન માટે કેન્દ્રીય ભૂમિકા ભજવશે.
GRIT: ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’નો રોડમેપ તૈયાર કરતું ‘થિંક ટેન્ક’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GRITની બીજી ગવર્નિંગ બોડીની બેઠકની અધ્યક્ષતા કરતા જણાવ્યું હતું કે, ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ અને આગામી એક દશક માટેના ‘ગુજરાત @ ૨૦૩૫’ના રોડમેપને સાકાર કરવામાં GRIT મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સરકારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતની ઇકોનોમીને ૪ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો અને ૨૮૦ લાખ નવી રોજગારીઓનું સર્જન કરવાનો ધ્યેય રાખ્યો છે. આ લક્ષ્યોની રૂપરેખા તૈયાર કરવા અને તેના સમયબદ્ધ અમલીકરણ માટે GRIT એક શક્તિશાળી “થીંક ટેન્ક”ની જેમ કામ કરશે. મુખ્યમંત્રીએ માત્ર ૧૫ મહિનાના ટૂંકા સમયમાં જ GRIT રિસર્ચ, ઇનોવેશન અને ટ્રાન્સફોર્મેશનના એપ્રોચ સાથે ભવિષ્યલક્ષી થિંક ટેન્ક તરીકે ઉભરી આવ્યું છે તે બદલ યુવા અને ઉત્સાહી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ડેટા આધારિત વિકાસ અને જિલ્લાના આર્થિક અંદાજ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે GRIT દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિવિધ વિભાગો અને યોજનાઓના રોજબરોજના કામોનો ડેટા મહત્ત્વનો સાબિત થશે. આ ડેટાના વિશ્લેષણથી જે વિભાગો પર વધુ ફોકસ કરવાની જરૂરિયાત છે, તે જાણી શકાશે અને કામોને વધુ ગતિ આપવામાં સરળતા રહેશે. GRIT દ્વારા રિજિયોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરીને જુદા-જુદા ઝોનમાં વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.
આ અવસરે, મુખ્યમંત્રીએ આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા ‘ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસ્ટીમેટ્સ’નું પણ વિમોચન કર્યું હતું. આ નવતર પહેલથી રાજ્યના જિલ્લાઓના આર્થિક અંદાજ (DDP) મળશે, જેના પરિણામે પોલિસી મેકર્સને સ્થાનિક વિકાસના અસરકારક આયોજન અને સસ્ટેનેબલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટમાં વધુ સરળતા રહેશે.
