વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામેની કાર્યવાહીના ભાગરૂપે આજવા રોડ વિસ્તારમાં સફળ રેડ પાડી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દત્તનગર, સયાજીપાર્ક, આજવા રોડ ખાતે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં નશાકારક કફ સિરપનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે સંતાડી રાખે છે.
મળેલા ઈનપુટના આધારે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક દત્તનગર વિસ્તારમાં આવેલા મકાન પર રેડ કરી હતી. રેડ દરમિયાન મકાનમાંથી આરોપી મનજીતસિંગ કતારસિંગ સિકલીગર (ઉં.વ. ૫૩) હાજર મળી આવ્યો હતો.
લોખંડના કબાટ પાસે સંતાડેલો જથ્થો મળી આવ્યો
આરોપી મનજીતસિંહને સાથે રાખીને પોલીસે તેના મકાનમાં ઝડતી તપાસ હાથ ધરી હતી. મકાનમાં લોખંડના કબાટ પાસે થેલીમાં સંતાડી રાખેલી કુલ ૧૧ નંગ નશાકારક કફ સિરપની બોટલો મળી આવી હતી.
આ તમામ બોટલો નાર્કોટિક્સ ઘટક ધરાવતી દવા (કફ સિરપ)ની હતી, જેનો ઉપયોગ નશા માટે થતો હતો. પોલીસે આરોપીને આ નશાકારક કફ સિરપની બોટલો રાખવા કે તેના ખરીદ-વેચાણ માટેનું પાસ-પરમિટ કે લાયસન્સ રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તે તેની પાસે ન હોવાનું તેણે જણાવ્યું હતું.
કુલ રૂ. ૧૨,૯૪૧ની કિંમતનો આ નશાકારક કફ સિરપનો જથ્થો આરોપી દ્વારા વગર પાસ-પરમિટ અને ગેરકાયદેસર રીતે ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા માટે સંતાડી રાખવામાં આવ્યો હતો.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
ક્રાઇમ બ્રાન્ચે આ જથ્થો કબજે કરીને આરોપી મનજીતસિંગ સિકલીગર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ માટે આ કેસ બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહી સૂચવે છે કે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ યુવાનોને નશાના રવાડે ચઢાવતા આવા ગેરકાયદેસર વેપાર સામે કડક પગલાં લેવા માટે સતર્ક છે.
