વડોદરા મહાનગરપાલિકા (VMC)ના મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી તાજેતરની રિવ્યુ બેઠકમાં શહેરના માળખાગત વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, પર્યાવરણ અને જાહેર સુવિધાઓને સુધારવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કમિશનરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરની ગુણવત્તા સુધારવા માટે તંત્ર સક્રિયપણે કામ કરી રહ્યું છે.
૧. રોડ-રસ્તા અને ગુણવત્તા સુધારણા:
ખોદકામ પર રોક: શહેરમાં હવે રોડ-રસ્તાનું ખોદકામ અને બાંધકામની પ્રક્રિયા સંપૂર્ણ કોઓર્ડીનેશન સાથે કરવામાં આવશે, જેથી વારંવાર ખોદકામની સમસ્યા પર રોક લગાવી શકાય.
ગુણવત્તા નિયંત્રણ: માર્ગની ગુણવત્તા વધારવા માટે VMCના એન્જિનિયરિંગ વિભાગ (ગેરિ) દ્વારા રોડના નમૂના (સેમ્પલ) લેવામાં આવશે, જેથી ગુણવત્તા નિયંત્રણ જળવાઈ રહે.
૨. ટ્રાફિક એન્જિનિયરિંગ સુધારણા:
રાજ્ય સરકારે વડોદરા શહેરનું ટ્રાફિક એન્જિનિયરિંગ સુધારવા માટે સૂચના આપી છે, જેના ભાગરૂપે નીચે મુજબના આયોજનો હાથ ધરાશે:
- નવા સર્કલ બનાવવાનું અને ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાનું આયોજન.
- બિનજરૂરી ખુલ્લા ડિવાઇડર બંધ કરવામાં આવશે.
- ટ્રાફિક ડેન્સિટી સમજીને સિગ્નલ ઓન-ઓફ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
૩. જાહેર સુવિધાઓ અને હેરિટેજ જાળવણી:
યોગ અને સ્પોર્ટ્સ સેન્ટર: કોર્પોરેશન શહેરમાં ૧૯ નવા યોગ સેન્ટર બનાવશે. આ ઉપરાંત, ₹ ૨૫૦ કરોડના સ્પોર્ટ્સ સેન્ટર માટે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હેરિટેજ: શહેરની ૪૧ હેરિટેજ ઇમારતોની જાળવણી પર સક્રિયપણે કામ કરવામાં આવશે.
આંગણવાડીઓ: હાલમાં ભાડાની ઇમારતોમાં ચાલતી આંગણવાડીઓને પોતાની માલિકીની ઇમારતો મળી રહે તે માટે પ્લોટ આઇડેન્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
૪. પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન:
શહેરનું પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે VMC દ્વારા વિશેષ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. એન્ટી સ્મોક ગન ખરીદવામાં આવશે. પ્રદૂષણના હોટ સ્પોટ પર મોનીટરીંગ સિસ્ટમ મુકાશે. અનહેલ્થી રીતે બાંધકામ કરતી સાઇટ મામલે અત્યાર સુધીમાં રૂ. ૨૮.૨૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તમામ બાંધકામ એકમો પર ગ્રીન નેટ લગાવવા સૂચના આપવામાં આવી છે. ખુલ્લી જગ્યા કે નદી કાંઠે ડેબરીસ (બાંધકામનો કચરો) ન ઠાલવવા માટે સૂચનાઓ જારી કરાશે.
૫. નિમેટા વોટર પ્રોજેક્ટ:
નિમેટા જોઇનિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે શહેરમાં વોટર ફ્લો (પાણીનો પ્રવાહ) વધારવા માટે કામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને પાણી કે અન્ય કોઈ પણ બાબતે તકલીફ હોય, તો તેઓ તંત્રનો સંપર્ક કરે. સમસ્યાનો જલ્દીથી નિકાલ કરવા માટે વોટર સપ્લાય વિભાગને સૂચના આપવામાં આવશે.
