ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહિવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરીને ૧૯૯૯ બેંચના સિનિયર આઈએએસ (IAS) અધિકારી અજય ભાદુની ‘ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ’ (GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર ડેપ્યુટેશનની સફળ કામગીરી પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ તેમની સેવાઓ ગુજરાત કેડરને પરત સોંપવામાં આવી હતી. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ મૂકવામાં આવ્યા બાદ સત્તાવાર આદેશ કરીને તેમને જીએમડીસીના એમડી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂક સાથે જ આઈએએસ અધિકારી રૂપવંત સિંહને જીએમડીસીના એમડી તરીકેના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ (Central Deputation) દરમિયાન અજય ભાદુએ અનેક મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્વકના હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ વાણિજ્ય મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા હતા તેમજ માર્ચ ૨૦૨૫માં તેમની નિમણૂક ‘ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ’ (GeM) ના મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ભારતના ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર અને રાષ્ટ્રપતિ સચિવાલયમાં જોઈન્ટ સેક્રેટરી જેવા અત્યંત પ્રતિષ્ઠિત પદો પર પણ સફળતાપૂર્વક કામગીરી બજાવી છે.
કેન્દ્રમાં જતાં પહેલાં ગુજરાત પ્રશાસનમાં પણ અજય ભાદુનો વહિવટી અનુભવ ખૂબ જ બહોળો અને પ્રશંસનીય રહ્યો છે. તેમણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના વાઈસ ચેરમેન અને સીઈઓ, મુખ્યમંત્રીના સચિવ તેમજ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓ મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.
શિક્ષણ ક્ષેત્રે અજય ભાદુ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે તેમજ તેમણે બેંગલુરુની પ્રતિષ્ઠિત નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીમાંથી બિઝનેસ લો માં માસ્ટર્સની પદવી મેળવી છે. તેમના વિશાળ વહિવટી, કાનૂની અને મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને કારણે ગુજરાતના ખનિજ અને ખાણકામ ક્ષેત્રમાં જીએમડીસીના વિકાસને એક નવી ઊંચાઈ અને ઝડપ મળશે તેવી પૂરેપૂરી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
