મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. ઓમાનની દરિયાઈ એજન્સીના જણાવ્યા અનુસાર, મસ્કત પાસે ‘MV Skylight’ નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
ભારતીય દૂતાવાસ એક્શનમાં
ઓમાનમાં આવેલી ભારતીય એમ્બેસી (Embassy of India in Oman) એ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ ઓમાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ‘MV Skylight’ જહાજના ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સને શોધવા માટે હાલમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ જે ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે, તેમને ભારત પરત લાવવા (Repatriation) માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વીડિયો વાયરલ, તપાસ ચાલુ
આ હુમલાનો એક ચોંકાવનારો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જહાજ પરના હુમલાની તીવ્રતા જોવા મળે છે. જોકે, તપાસ એજન્સીઓ દ્વારા આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઓમાનની રાજ્ય સંચાલિત ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે હુમલો સુલતાનતની રાજધાની મસ્કતના દરિયાકાંઠે ગલ્ફ ઓફ ઓમાનમાં થયો હતો.
ભારત સરકારની સહાય
ભારતીય મિશન દ્વારા અસરગ્રસ્ત નાવિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે સમુદ્રી માર્ગો પર પણ જોવા મળી રહી છે, જે વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે.
