વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક ગંભીર અકસ્માત આજવા રોડ પર બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કારે બાઇક ચાલકને એટલી જોરથી ટક્કર મારી કે બાઇક ચાલક હવામાં ફંગોળાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
સ્થાનિક લોકોએ આ ઘટના માટે રસ્તા પરના સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા (ઝેબ્રા ક્રોસિંગ) ન હોવાને પણ એક કારણભૂત ગણાવ્યું હતું, જેના કારણે ડ્રાઇવરોને અંદાજ આવતો નથી અને અકસ્માત સર્જાય છે.
ડીસીપી ઝોન-૪ એન્ડ્રુ મેકવાનનું નિવેદન: આરોપીની ધરપકડ
આ ગંભીર અકસ્માતના મામલે ડીસીપી ઝોન ૪ એન્ડ્રુ મેકવાને મીડિયાને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગઈ કાલે અકસ્માત અંગે ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે મારુતિ સ્વિફ્ટ કારના ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો.
ફરિયાદના આધારે બાપોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક પ્રતીક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી છે. ઈજાગ્રસ્ત યુવક આદર્શ સિંઘને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નશામાં ડ્રાઇવિંગ અને સરકારી નોકરી
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર આરોપી પ્રતીક બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) માં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કાર ચાલક નશામાં હતો, જેની પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે.
પોલીસે આરોપી પાસેથી મળેલા નશાકારક પીણાના સેમ્પલ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આરોપી પ્રતીક ગુલાબરાવ બોરસે સામે બાપોદ પોલીસે અકસ્માત, પ્રોહિબિશન અને નશાની હાલતમાં વાહન ચલાવવા જેવા ગંભીર ગુન્હા દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
