સાયબર ક્રાઇમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વડોદરા શહેરમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વડોદરાની એક સિનિયર સિટીઝન મહિલાને સાયબર ઠગોએ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી તેમની આજીવનની કમાણી સમાન ₹ 1.82 કરોડ પડાવી લીધા છે. ઠગોએ મહિલાને એટલી હદે ડરાવી દીધા હતા કે તેઓ ૧૫ દિવસ સુધી પોતાના જ ઘરમાં કેદ રહ્યા હતા.
આધાર કાર્ડ અને મની લોન્ડરિંગનો નકલી ડર
ઠગાઈની શરૂઆત એક અજાણ્યા કોલથી થઈ હતી, જેમાં સાયબર ગઠિયાઓએ નકલી પોલીસ અધિકારી બનીને દાવો કર્યો હતો કે મહિલાના આધાર કાર્ડ પરથી લેવાયેલા સિમકાર્ડ દ્વારા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ છે. ઠગોએ જણાવ્યું કે મહિલા પર ૩૯ કેસ નોંધાયા છે, જેમાં આતંકવાદ અને ₹ ૨૪૩ કરોડના મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.
મહિલાને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ યુનિફોર્મમાં સજ્જ હતા અને પાછળ પોલીસ સ્ટેશન જેવું સેટિંગ દેખાતું હતું. એટલું જ નહીં, તેમણે સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈના સિક્કાવાળા નકલી દસ્તાવેજો પણ બતાવ્યા હતા.
૬ દિવસમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
કેસમાંથી મુક્તિ અપાવવાના બહાને ઠગોએ મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી બહાર નીકળવા કે કોઈને જાણ કરવા પર મનાઈ ફરમાવી હતી. ગત ૧૧ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન સાયબર ઠગોએ ડરાવી-ધમકાવીને મહિલાના વિવિધ બેંક ખાતાઓમાંથી કુલ ₹ ૧,૮૨,૧૦,૦૦૦ (૧.૮૨ કરોડ) અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પૈસા ટ્રાન્સફર થયા બાદ ઠગોએ સંપર્ક તોડી નાખતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી છે.
વૃદ્ધો સાયબર ઠગોના સોફ્ટ ટાર્ગેટ
નિષ્ણાતોના મતે, સાયબર ઠગો મોટાભાગે ટેકનોલોજીથી અજાણ એવા વૃદ્ધ લોકોને નિશાન બનાવે છે. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવો કોઈ કાયદો ભારતમાં નથી. જો કોઈ પોલીસ અધિકારી વીડિયો કોલ પર તમને ધરપકડની ધમકી આપી પૈસાની માંગણી કરે, તો તરત જ કોલ કાપીને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.
