આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય બજારોને દબાણમુક્ત કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કરમસદના ધમધમતા સુપર માર્કેટ વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને જાહેર માર્ગો પર અનધિકૃત દબાણ કરનારા ૪૧ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
૪૧ એકમોને ₹૨.૦૫ લાખનો દંડ ફટકારાયો
સુપર માર્કેટમાં ઘણા વેપારીઓ દુકાનની બહાર ફૂટપાથ અને જાહેર રસ્તા પર માલસામાન મૂકીને ગ્રાહકોની અવરજવરમાં અવરોધ ઉભો કરતા હતા. એસ્ટેટ વિભાગે આવા ૪૧ એકમોને ઓળખી કાઢીને પ્રત્યેકને ₹૫,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલવાની નોટિસ ફટકારી છે. આ કામગીરી દ્વારા મનપાએ કુલ ₹૨,૦૫,૦૦૦ (બે લાખ પાંચ હજાર) નો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે.
દંડાયેલા મુખ્ય એકમોની યાદી
આ કાર્યવાહીમાં મુખ્યત્વે કાપડ, રેડીમેડ ગાર્મેન્ટ્સ અને કિરાણા સ્ટોર્સનો સમાવેશ થાય છે. જેમાં જાણીતા નામ જેવા કે:
કાપડ અને સાડી સ્ટોર્સ: પંકજ કાપડ ભંડાર, આરતી સિલ્ક, રાની સાડી પેલેસ, રાધે ડ્રેસીસ, કિશ્ના સિલ્ક પેલેસ, નીરાલી NX, એકતા નડિયાદ વાલા સાડી સેન્ટર, રૂપ કલા, અને સગાઈ સાડી સેન્ટર.
અન્ય સ્ટોર્સ: હરીશ રેડીમેડ સ્ટોર, મેટ્રો રેડીમેડ, કમલેશ કિરાણા સ્ટોર, અને વસંત કિરાણા સ્ટોરનો સમાવેશ થાય છે.
વેપારીઓને કડક ચેતવણી
એસ્ટેટ વિભાગે તમામ વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર રસ્તા કે ફૂટપાથ પર દબાણ કરવું ગેરકાયદેસર છે. જો ભવિષ્યમાં ફરીથી દબાણ કરવામાં આવશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ માર્કેટમાં આવતા ગ્રાહકો અને સામાન્ય નાગરિકો માટે અવરજવર સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. મનપાએ વેપારીઓને શહેરની વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ પ્રકારની ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
