નર્મદા: નર્મદા જિલ્લામાં 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડનો મામલો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવા સાથેની બેઠક બાદ જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવા પરના આક્ષેપો સ્વીકારતા જ ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે કલેક્ટરના બદલાયેલા નિવેદનને ‘સરકારી દબાણ’ ગણાવીને મનસુખ વસાવા અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
“કલેક્ટરને EDની ધમકી આપી ડરાવવામાં આવ્યા”
ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે કે, “કલેક્ટર એસ.કે. મોદી પર ઉપરથી દબાણ કરવામાં આવ્યું છે. અમને મળેલી માહિતી મુજબ, તેમને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) સુધીની ધમકીઓ આપીને નિવેદન બદલવા મજબૂર કરાયા છે. સરકારે કલેક્ટરને કહી દીધું છે કે ‘સત્તા સામે શાણપણ સારું ન લાગે’, જે અમે કહીએ તે જ તમારે બોલવાનું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મારા વિરુદ્ધ એક સ્ક્રિપ્ટ તૈયાર કરીને પૂર્વનિયોજિત કાવતરું ઘડાયું છે.
PMના કાર્યક્રમમાં 50 કરોડના ખર્ચનો હિસાબ અને CID તપાસની માંગ
વિવાદના મૂળમાં વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચને ગણાવતા ચૈતર વસાવાએ કહ્યું કે, “નર્મદા જિલ્લામાં આદિજાતિ લોકોના વિકાસ માટેના 50 કરોડ રૂપિયા પીએમના કાર્યક્રમમાં ખર્ચાયા છે. મેં મારા અધિકાર હેઠળ આ કાર્યક્રમની વિગતો માંગી એટલે મનસુખભાઈના પેટમાં તેલ રેડાયું છે.”
- આક્ષેપ: કાર્યક્રમનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીઓ મનસુખ વસાવાની નજીકની હોવાનો દાવો.
- માંગ: પીએમના કાર્યક્રમમાં થયેલા ૧૦ ગણા વધુ ખર્ચ મુદ્દે CID તપાસની માંગ.
- અલ્ટીમેટમ: જો 5 દિવસમાં કાર્યક્રમના ખર્ચની માહિતી નહીં મળે, તો ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસશે.
પુરાવા જાહેર કરવાની ખુલ્લી ચેલેન્જ
ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો છે કે જો તેમની પાસે 75 લાખની માંગણીના કોઈ CCTV ફૂટેજ કે ઓડિયો રેકોર્ડિંગ હોય તો તેને જનતા સમક્ષ જાહેર કરે. તેમણે કલેક્ટરને અપીલ કરી છે કે, “તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ.” અગાઉ મનસુખભાઈએ હેલિપેડની વાત કરી નહોતી, પરંતુ હવે જ્યારે કલેક્ટરે વાત નકારી ત્યારે નવું ‘હેલિપેડ’નું લોકેશન ઊભું કરવામાં આવ્યું છે, જે તદ્દન પાયાવિહોણું છે.
