- કોંગ્રેસનો ભાજપ પર સીધો પ્રહાર, 47 હજારથી વધુ મતદારોના નામ રદ કરવાની સાજિશનો પર્દાફાશ
- ખોટા વાંધા લેનારા સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગ
- ફોર્મ નં. 7 નો દૂરુપયોગ કરી હજારો નાગરિકોના મત કાપવાનું ભાજપનું કૌભાંડ
વડોદરા: વડોદરા શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR 2025) અંતર્ગત મોટો રાજકીય વિવાદ છેડાયો છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પર નાગરિકોના મૂળભૂત મતાધિકાર છીનવવાનો અત્યંત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપ દ્વારા એક સુનિયોજિત સાજિશના ભાગરૂપે ‘ફોર્મ નં. 7’ નો ઉપયોગ કરીને હજારો સાચા મતદારોના નામ રદ કરાવવા માટે ગેરકાયદેસર અરજીઓ કરવામાં આવી છે.
47 હજારથી વધુ મતદારો સામે વાંધા
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યો છે કે શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં અંદાજે 47,000 થી વધુ મતદારોના નામ સામે ખોટા વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરોએ જાણી જોઈને સાચા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નં. 7 ભરીને વાંધા રજૂ કર્યા છે. જે મતદારો જીવિત છે અને તે જ વિસ્તારમાં રહે છે, તેમના નામ સામે પણ વાંધા લઈને તેમને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરાયો છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી (કલેક્ટર) ને વારંવાર લેખિત રજૂઆત અને આવેદનપત્રો આપવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ખોટા વાંધા લેનાર વ્યક્તિઓ સામે પણ તંત્ર મૌન સેવી રહ્યું હોવાથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉભા થયા છે.
આંદોલનની ચીમકી અને દેશદ્રોહની માંગ
કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર માંગ કરી છે કે જે લોકોએ જાણી જોઈને લોકશાહીના પર્વમાં ખલેલ પહોંચાડવા ખોટા વાંધા લીધા છે, તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવામાં આવે. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કોંગ્રેસ દ્વારા વડોદરામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આવતીકાલે યોજાનારી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા આ કૌભાંડના મજબૂત પુરાવાઓ અને દસ્તાવેજો રજૂ કરવામાં આવશે, જેમાં ગેરકાયદેસર રીતે અરજી કરનાર વ્યક્તિઓના નામનો પણ ખુલાસો થવાની શક્યતા છે.
