વડોદરા: વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ એક મોટી સફળતા મેળવી છે. શહેરમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું કરનાર એક યુવાનની પોલીસે ધરપકડ કરી છે. આ યુવાન હોમિયોપેથીનો અભ્યાસ અધૂરો છોડીને વડોદરામાં એલોપેથીક ક્લિનિક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.
‘સ્વસ્તિક ક્લિનિક’ પર તવાઈ
મળતી માહિતી મુજબ, શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા શિવનગર મહોલ્લામાં ‘સ્વસ્તિક ક્લિનિક’ નામે એક દવાખાનું ચાલી રહ્યું હતું. એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે અહીં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે અહીં પ્રેક્ટિસ કરી રહેલા ધવલ ભરતભાઇ કાવડે પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી નથી.
અધૂરો અભ્યાસ અને ખોટી પ્રેક્ટિસ
ધરપકડ કરાયેલા ધવલ કાવડે અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી ધવલ રાજકોટમાં હોમિયોપેથી ડોક્ટર (BHMS) નો અભ્યાસ કરતો હતો, પરંતુ તેણે ફાઇનલ પરીક્ષા પાસ કરી નથી. તે મૂળ ભાવનગરના વાઘનગર ગામનો વતની છે અને હાલ વડોદરાના રાવપુરા વિસ્તારમાં શંકર પોળમાં રહે છે. છેલ્લા 7 મહિનાથી તે કોઈપણ સત્તાવાર લાયકાત વગર તબીબ તરીકે લોકોની સારવાર કરતો હતો.
મુદ્દામાલ કબજે
પોલીસના દરોડા દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથીક દવાઓનો જથ્થો, મેડિકલ સાધનો અને ઈન્જેક્શન મળી આવ્યા છે. એસ.ઓ.જી.એ અંદાજે ₹30,170 નો મુદ્દામાલ કબજે કરીને યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોમિયોપેથીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એલોપેથીક પ્રેક્ટિસ કરવી એ કાયદાકીય ગુનો છે, અને તેમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરવી એ ગંભીર અપરાધ છે.
