વડોદરા: વિદેશ જઈને ડોલર કમાવવાની ઘેલછામાં ગુજરાતના યુવાનો ફરી એકવાર મોટી મુસીબતમાં ફસાયા છે. વડોદરા શહેર અને સાવલી તાલુકાના સાંઢાસાલ ગામ સહિત ગુજરાતના ૧૦ યુવકો સહિત ભારતના અંદાજે ૧૦૦થી વધુ યુવાનો મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેટા એન્ટ્રીની આકર્ષક નોકરીની લાલચ આપી એજન્ટો દ્વારા આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હવે તેઓ જીવના જોખમે મદદની રાહ જોઈ રહ્યા છે.
વીડિયો વાયરલ કરી ભારત સરકારને વિનંતી
છેલ્લા ૨૦ દિવસથી મ્યાનમારમાં અટવાયેલા આ યુવકોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. વીડિયોમાં યુવાનો જણાવી રહ્યા છે કે તેમની પાસે હવે પૈસા ખૂટી ગયા છે અને ખાવા-પીવાના પણ ફાંફા પડી રહ્યા છે. ઈમિગ્રેશનની પ્રક્રિયા થઈ ગઈ હોવા છતાં કોઈ રસ્તો ન નીકળતા તેઓ લાચાર બન્યા છે. હાલમાં એક સ્થાનિક એનજીઓ (NGO) દ્વારા આ યુવકોને આશરો આપવામાં આવ્યો છે, પરંતુ તેમની સ્થિતિ દિવસેને દિવસે કફોડી બની રહી છે.
સાંઢાસાલ ગામનો ગુંજન શાહ ૨૦ દિવસથી લાપતા જેવો
સાંઢાસાલ ગામના યુવક ગુંજન શાહ સહિતના મિત્રો આ ટોળકીનો ભોગ બન્યા છે. ગુંજનના પરિવારે જણાવ્યું કે ૨૦ દિવસથી તે ત્યાં ફસાયેલો છે. પરિવારોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે. પરિવાજનોએ ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે રાજદ્વારી ચેનલોનો ઉપયોગ કરીને આ નિર્દોષ યુવકોને હેમખેમ પરત લાવવામાં આવે.
એજન્ટોની જાળમાં ફસાયા ૧૦૦થી વધુ ભારતીયો
આ માત્ર વડોદરાની વાત નથી, પરંતુ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજે ૧૦ ૦થી વધુ યુવાનો આ રીતે મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ અને ફેક જોબ રેકેટ ચલાવતી ટોળકીઓ આવા યુવાનોને વિદેશમાં ઉંચા પગારની લાલચ આપી ત્યાં લઈ જઈને તેમની પાસે ગેરકાયદે કામ કરાવતી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.
