અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજા ફરી એકવાર સક્રિય મૂડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુરુવારે રાજ્યના વિવિધ ભાગો માટે આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતાને પગલે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. આ સાથે જ રાજ્યભરમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્જાયેલા લો-પ્રેશર એરિયા (હવાનું હળવું દબાણ) અને દરિયાઈ સપાટીથી ૫.૮ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં નીચાણવાળા ભાગો અને રસ્તાઓ પર પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા જણાવાયું છે.
બીજી તરફ, અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે. આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે ભારે વરસાદની ચેતવણી મુખ્યત્વે આજ પૂરતી મર્યાદિત છે, પરંતુ ઝાપટાંની પ્રક્રિયા આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત, ૧૯ સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાંથી પણ ચોમાસાની ક્રમશઃ વિદાયનો સંકેત આપે છે.
