આણંદ: ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આણંદ જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત શુદ્ધિકરણની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે ૧૯મી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, જેમાં મતદારોએ પોતાનું નામ ચકાસી લેવું અનિવાર્ય છે.
ખાસ ઝુંબેશના દિવસો અને સમય
મતદારોની સુવિધા માટે તંત્ર દ્વારા ચાર દિવસની ખાસ ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ દિવસોમાં બુથ લેવલ ઓફિસર (BLO) મતદાન મથકો પર રૂબરૂ હાજર રહેશે:
- તારીખ: ૨૭ – ૨૮ ડિસેમ્બર (શનિવાર-રવિવાર) અને ૩ – ૪ જાન્યુઆરી (શનિવાર-રવિવાર).
- સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી.
નામ ચકાસણી માટેના વિવિધ વિકલ્પો
નાગરિકો નીચે મુજબના માધ્યમો દ્વારા પોતાનું નામ ચેક કરી શકે છે:
૧. ઓનલાઈન પોર્ટલ: electoralsearch.eci.gov.in પર નામની ચકાસણી.
૨. કમી થયેલા નામ: chunavsetu-search.gujarat.gov.in પર ASD યાદી ચેક કરી શકાશે.
૩. રૂબરૂ કચેરી: મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી અથવા કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત મતદાર સહાયતા કેન્દ્રની મુલાકાત લઈ શકાય છે.
કયા ફોર્મ ભરવા પડશે?
ફોર્મ નંબર ૬: જે યુવા મતદારો ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અથવા જેમના નામ ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી ગયા છે, તેમણે નવું નામ નોંધાવવા ફોર્મ-૬ ભરવાનું રહેશે.
ફોર્મ નંબર ૭: જો ડ્રાફ્ટ યાદીમાં કોઈ નામ સામે વાંધો હોય કે નામ કમી કરાવવું હોય તો ફોર્મ-૭ ભરવાનું રહેશે.
ગણતરી ફોર્મ: જે મતદારોએ અગાઉ ગણતરી ફોર્મમાં વિગતો ભરેલ નથી, તેમણે નિર્ધારિત ૧૧ પુરાવાઓ પૈકીનો કોઈ એક પુરાવો BLOને જમા કરાવવાનો રહેશે.
જિલ્લા કલેક્ટરે ખાસ કરીને યુવા મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવવા અને પારદર્શક મતદાર યાદી બનાવવામાં સહકાર આપવા અપીલ કરી છે.
