ગાંધીનગર: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં બદલાતી ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને કારણે ઈંધણના પુરવઠા અંગે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે LPG અને PNG ના પુરવઠા અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
બુકિંગ માટેના નવા નિયમો
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) દ્વારા ગેસના વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ:
25 દિવસનો ગાળો: હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કરાવ્યા બાદ બીજા સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવો પડશે. આ નિર્ણય પાછળનો હેતુ સ્ટોકનું સપ્રમાણ વિતરણ કરવાનો અને પેનિક બુકિંગને રોકવાનો છે.
PNG સપ્લાય: ગુજરાતમાં અંદાજે 30% ઘરોમાં પાઇપલાઇન (PNG) મારફતે ગેસ પૂરો પાડવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ PNG નો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી પાઇપલાઇન યુઝર્સે ચિંતા કરવાની જરૂર નથી.
કોમર્શિયલ ઉપયોગ પર નિયંત્રણ, સેવાકીય સંસ્થાઓને છૂટ
કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણય મુજબ, હાલમાં કોમર્શિયલ (વ્યાપારી) ગેસ સિલિન્ડરના વેચાણને નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, માનવીય અભિગમ અને જીવનજરૂરી સેવાઓને ધ્યાને રાખીને હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની જરૂરિયાત મુજબ LPG ની ફાળવણી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
નાગરિકોને અપીલ
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને જરૂરિયાત વગર એડવાન્સ બુકિંગ કરાવીને બજારમાં કૃત્રિમ અછત ઊભી ન કરે. રાજ્યમાં સ્ટોકનું પરિવહન અને વિતરણ સુચારૂ રીતે ચાલી રહ્યું છે અને તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.
