હૈદરાબાદ: તેલંગાણાના હૈદરાબાદમાં એક અત્યંત રમુજી અને પોલીસ તંત્રની ઉદાસીનતા છતી કરતો કિસ્સો સામે આવ્યો છે. ફૈઝલ રહેમાન નામના એક વ્યક્તિનું સ્કૂટર ત્રણ મહિના પહેલા હબીબ નગર વિસ્તારમાંથી ચોરાઈ ગયું હતું. માલિકે તત્કાલ પોલીસ સ્ટેશન જઈને FIR પણ નોંધાવી હતી. પરંતુ મહિનાઓ વીતવા છતાં પોલીસ ચોર કે સ્કૂટરનો કોઈ પત્તો લગાવી શકી ન હતી. હારી-થાકીને માલિકે પોતાનું સ્કૂટર ગુમાવ્યાનું સ્વીકારી લીધું હતું.
ઈ-ચલણનો મેસેજ અને મોટો ધડાકો
અચાનક એક દિવસે ફૈઝલના મોબાઈલ પર ટ્રાફિક વિભાગ તરફથી એક મેસેજ આવ્યો. મેસેજમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-ચલણ મોકલવામાં આવ્યું હતું. શરૂઆતમાં ફૈઝલને લાગ્યું કે આ કોઈ જૂનું ચલણ હશે, પરંતુ લિંક ખોલતા જ તેના હોશ ઉડી ગયા. ચલણમાં જે ફોટો હતો તે તેના જ ચોરાયેલા સ્કૂટરનો હતો અને તે પણ તાજેતરની તારીખનો!
ચલણના ફોટામાં ‘ચોર’નો ચહેરો કેદ
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ટ્રાફિક કેમેરાએ જે ફોટો ક્લિક કર્યો હતો, તેમાં સ્કૂટર ચલાવનાર વ્યક્તિનો ચહેરો એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જે ગાડીને પોલીસ 90 દિવસથી શોધી રહી હતી, તે ગાડી હૈદરાબાદના રસ્તાઓ પર બિન્દાસ ફરી રહી હતી અને ટ્રાફિક કેમેરાએ એક જ સેકન્ડમાં ચોર અને ગાડી બંનેને ‘કેદ’ કરી લીધા હતા. આ ઘટનાએ સાબિત કર્યું કે પોલીસ ડેટાબેઝ અને ટ્રાફિક કંટ્રોલ રૂમ વચ્ચે તાલમેલનો અભાવ છે.
સોશિયલ મીડિયા પર પોલીસની ફજેતી
ફૈઝલ રહેમાને આ ટ્રાફિક ચલણ અને FIR ની કોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરી હૈદરાબાદ પોલીસને ટેગ કરી હતી. તેણે લખ્યું કે, “મારું વાહન 3 મહિના પહેલા ચોરાઈ ગયું હતું અને FIR પણ થઈ હતી. આજે મને તેનું ચલણ મળ્યું છે જેમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. મહેરબાની કરીને હવે તો આ મામલે તપાસ કરો.”

આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ છે અને લોકો પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવી રહ્યા છે. નેટીઝન્સ કહી રહ્યા છે કે, “આજકાલ ડિજિટલ ઈન્ડિયામાં ટ્રાફિક કેમેરા પોલીસ કરતા વધુ એક્ટિવ છે!”
