વડોદરા : વડોદરા સહિત રાજ્યભરમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. નેશનલ હાઈવે સહિત અને મોટા માર્ગો પર ચાલકની બેદરકારીને કારણે ગંભીર અકસ્માતનો સર્જાતા હોય છે. વડોદરા શહેરમાં પણ રોજબરોજ નાના-મોટા અકસ્માત સર્જાય છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકોટા ગાર્ડન પાસે આવેલી અક્ષરધામ સોસાયટીમાં એક બેફામ ગતિએ આવતી કાર ડિવાઈડર કૂદીને સોસાયટીની કમ્પાઉન્ડ વોલમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સોસાયટીની મજબૂત દિવાલ પળવારમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી.
લોકોમાં ફફડાટ અને મહિલાનો ગંભીર આક્ષેપ
વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો નિંદ્રાધીન હતા, ત્યારે થયેલા જોરદાર ધડાકાને કારણે લોકો પથારીમાંથી સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સમયે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર એક સ્થાનિક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કાર ચાલક કેફી પીણું પીધેલી હાલતમાં હતો અને નશામાં હોવાને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.
પાંચ લોકોનો આબાદ બચાવ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત થયો તે સમયે દિવાલની નજીકથી આશરે પાંચ જેટલા મોર્નિંગ વોકર્સ પસાર થઈ રહ્યા હતા. જો કાર થોડી સેકન્ડ વહેલી અથવા મોડી ભટકાઈ હોત તો આ નિર્દોષ લોકોના જીવ જઈ શક્યા હોત. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સોસાયટીની મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ જે.પી. રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર કબજે કરી છે અને ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલકે ખરેખર નશો કર્યો હતો કે કેમ તેની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં વહેલી સવારે નબીરાઓના બેફામ ડ્રાઈવિંગને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
