નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ તેમની ત્રણ દિવસીય ભારતની સત્તાવાર મુલાકાતે રવિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ લી અને ફર્સ્ટ લેડી કિમ હે-ક્યુંગનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ
ઔપચારિક સ્વાગત બાદ રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે રાજઘાટની મુલાકાત લીધી હતી. તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી અહિંસા અને શાંતિના વૈશ્વિક સંદેશને યાદ કર્યો હતો.

દ્વિપક્ષીય મંત્રણાના મુખ્ય મુદ્દાઓ
હૈદરાબાદ હાઉસ ખાતે PM મોદી અને રાષ્ટ્રપતિ લી વચ્ચે ડેલીગેશન સ્તરની મંત્રણા યોજાઈ હતી. આ મુલાકાત બંને દેશોની ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ માટે માઈલસ્ટોન સાબિત થશે. મંત્રણામાં નીચેના ક્ષેત્રો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો:
- ટેકનોલોજી: સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સાયબર સિક્યોરિટી.
- ઉદ્યોગ: શિપબિલ્ડિંગ (જહાજ બાંધકામ), સંરક્ષણ ઉત્પાદન અને ઈલેક્ટ્રોનિક્સ.
- વેપાર: બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વર્ષ 2030 સુધીમાં $50 અબજ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી
રાષ્ટ્રપતિ લી અને PM મોદીએ હૈદરાબાદ હાઉસના પરિસરમાં ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત છોડ રોપીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

ભારત: ગ્લોબલ પ્રોડક્શન હબ
રાષ્ટ્રપતિ લીએ ભારતની વધતી જતી આર્થિક ક્ષમતાના વખાણ કરતા જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર એક ગ્રાહક બજાર નથી રહ્યું, પરંતુ વૈશ્વિક ઉત્પાદન અને સપ્લાય ચેઈનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આ મુલાકાત આઠ વર્ષ બાદ કોઈ દક્ષિણ કોરિયન નેતાની પ્રથમ ભારત મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો સૂચવે છે
